Comments

નક્કામાં બની જવું તે પણ એક કળા છે

ફળોની લારી ચલાવનાર વાસી સફરજનને કટકાથી વારંવાર લૂછીને ઊજળાં રાખતો હતો. પૂછયું: ‘‘વાસી સફરજનને ઊજળાં કરે છે?’’ જવાબ મળ્યો: ‘‘વાસીને વેચાણમાં ખપાવવા આમ કરવું પડે, ફ્રેશને વાંધો નહીં આવે.’’ માણસને પણ પ્રતિષ્ઠા જાળવવા ઊજળા દેખાવું પડે છે. માણસ ગમે તેમ કરીને પોતાનો ચળકાટ જાળવી રાખીને, સતત ખપવા માંગે છે. પોતાનો ભાવ બોલાવવા સતત ચળકાટમાં રહેવું પડે એવો વખત આવ્યો છે! વાસી, નક્કામા માણસનો કોઇ ભાવ પૂછતું નથી. રુઆબદાર ઠસ્સો, ચાલાકી, બોલકાપણું માણસના સમાજમાં સિક્કા પડે છે!

ઓશો રજનીશ કહેતા કે નક્કામાં બની જવું તે પણ એક કળા છે. ગ્રેટેસ્ટ જોય કમ્સ, વ્હેન યુ ડૂ યુઝલેસ થિંગ્ઝ ઇન વર્લ્ડલી આઈઝ! જ્યારે એક પણ પૈસાનો સ્વાર્થ ન હોય ત્યારે આપણે કોઇને માટે કામ કરીએ ત્યારે કેટલો બધો આનંદ આવે છે! પરંતુ આપણાં નાનાં- મોટાં કોઇ પણ પ્રકારના કાર્યમાં આપણો નિજી-સૂક્ષ્મ સ્વાર્થ છુપાયેલો હોય છે. આપણે નક્કામાં થઇ જવાથી ડરીએ છીએ. આપણને પ્રવૃત્તિમય રહેવાનું અને તેમાંથી મળતી વાસ્તવિક કે આભાસી મહત્તાનું વ્યસન થઇ જાય છે. માર્ગદર્શકો, સલાહકારો, ધર્મગુરુઓ, કથાકારો આપણને આપણી વૃદ્ધાવસ્થામાં પણ પ્રવૃત્ત રહેવાની સલાહ આપે છે. કેટલેક અંશે તે સાચી પણ છે, છતાં નક્કામી પ્રવૃત્તિમાં જે મઝા છે માણવા જેવી છે. જે મોટે ભાગે બાળપણમાં આપણે માણી હોય છે.

વાત વર્ષો પહેલાંની છે. અમેરિકામાં નોંધાયેલી છે. ત્યાંનાં કેટલાંક પ્રકૃત્તિદત્ત, શાંત, રમણીય પ્રદેશના મૂળ નિવાસી સાહિત્યકારો અને કવિઓ નાની ઉંમરે મૃત્યુ પામ્યાના ઘણા કિસ્સા નોંધાય છે! કારણ શું? કારણ કે તેઓ, તે જમાનામાં પ્રવૃત્તિ ગણાતી! સનસનાટીવાળા આર્ટિકલ લખતો લેખક ઊંચા ભાવે ખપે છે! કવિતા ખપતી નથી. કવિતાનો પુરસ્કાર પણ ભાગ્યે જ મળે છે! જો કે હવે એવી સ્થિતિ રહી નથી એ આશ્વાસન લેવા જેવું છે. હવે તો AI કાવ્યો, ગઝલો અને નવલકથા લખી શકે એટલું સક્ષમ બની ગયું છે. સંવેદનાની ભાવાત્મક ચેષ્ટા પણ તેનો એક અંશ બની રહ્યો છે! આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ AI, આપણને ભવિષ્યમાં તદ્દન નક્કામાં બનાવી દેશે.

આજે પણ આપણને, કોઇ પણ પ્રકારના બદલાની આશા વગર કેટલીક પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. માંહ્યલો રાજી થાય છે. અમુક વ્યક્તિ ઉપર જાણ્યે-અજાણ્યે પ્રેમ ઉભરાય છે. છતાં આપણે એવી પ્રવૃત્તિઓ ઝાઝી કરી શકતાં નથી. પ્રેમની અભિવ્યક્તિ નવો ચીલો ચાતરીને કરી શકતાં નથી. સમાજનો ડર, પ્રતિષ્ઠાનો ડર આપણો પહેરો ભરીને ઊભો છે! આપણે તો રિસ્પેકેટડ દેખાવું છે. જેણે માત્ર રિસ્પેકટેડ જ બની રહેવું છે તે કોઇને ચાહી શકતાં નથી. કયારેક રિસ્પેકટેડ દેખાવા માટે અણગમતી પ્રવૃત્તિ કરવી પડે છે. આવાં લોકો સાચા અર્થમાં જીવતાં નથી! જીવી ખાય છે!

જે વ્યક્તિમાં, જે પ્રવૃત્તિમાં, જે વસ્તુમાં આપણને દિલચસ્પી હોય, ઊંડો લગાવ હોય, તે વ્યક્તિ સાથે, તે વસ્તુ સાથે નિરંતર, નિર્વ્યાજ, ખુલ્લેઆમ સત્સંગ કરી શકો તો થોડું વધુ લાંબુ જીવી શકાય એવું આધુનિક મનોવિજ્ઞાન કહે છે. ધીમા પડો. અટકો. ઊંડા શ્વાસ લઇ ક્ષણિક થોભી જાવ. ક્ષણોને માણો,આવી બાબતો પર ઘણાં અધ્યયનો થઇ રહ્યાં છે. આજના અતિ વ્યસ્ત, દોડધામવાળા યુગમાં હવે આવી બાબતો આવશ્યક બનતી જાય છે. એ જ સમાજ મહાન છે જયાં કવિઓ, કલાકારો, સંગીતકારો, સાહિત્યકારો, સાચાં પ્રેમીઓ લાંબુ જીવતાં હોય અને બહુજન સમાજ તેમનું માન સન્માન જાળવતો હોય. તેમની કદર કરતાં હોય.

ઘણાં માણસોને ઘણી વાર નવા વિચારો આવે છે. કયારેક નવું કરવાનો ઉમંગ મન પર કબ્જો જમાવી લે છે પરંતુ તેનો ત્વરિત અમલ કરી શકતાં નથી. માણસની સૌથી મોટી અને સાચ્ચી પીડા કઇ? વ્યક્તિનાં વર્તન-વ્યવહાર, આયોજન-પ્રયોજન પર હાથ ધરાયેલાં મનોવૈજ્ઞાનિક સંશોધનોથી સાબિત થયું છે કે માનવીના સ્વભાવની મોટામાં મોટી પીડા, તેને જયારે એક નવો વિચાર સૂઝે છે અને તે વિચારનો અમલ કરી શકતો નથી ત્યારે પેદા થાય છે. ઘણાં શ્રેષ્ઠ વકતાઓ, પત્રકારોએ શ્રેષ્ઠ કાર્યો કરી ખૂબ વાહ વાહ લૂંટી હોય. પુરસ્કારો અને સન્માન મેળવ્યાં હોય તેમ છતાં તેમનાં કેટલાંક સમયના પ્રવાહ સાથે સંતૃપ્ત થઇ જાય છે. કયારેક તેમાંથી છૂટકારો ઇચ્છે છે. પરંતુ છૂટવા માટેના સંકલ્પ બળના અભાવે તે શકય બનતું નથી! નક્કામાં બની જવાનો ડર તેમને ઊંડે-ઊંડે સતાવે છે! ભગવાન બુદ્ધ પાસે બધું જ હતું. પણ તેમણે બધું જ ત્યજીને મહાભિનિષ્ક્રમણ કર્યું! આપણે તે કરી શકતાં નથી.

ચીની ફિલસૂફ લાઓત્સેની કીર્તિ જયારે ટોચ પર હતી ત્યારે તેણે સંસાર છોડી દીધો હતો અને એક બળદગાડું લઇને નીકળી પડયા હતા! ભરાઈ જાય ત્યારે તેને વધુ ભરવાની કોશિશ નહિ કરો. સમયસર અટકી જાવ. જયારે તમે સફળતાની ટોચ પર હો ત્યારે જ તમારા સ્વને, દુન્યવી ચીજોમાંથી ખેંચી લો અને જુઓ, તમારામાં દિવ્ય શક્તિનો સંચાર શરૂ થશે. આ સૃષ્ટિમાં કશું જ કાયમી નથી. જયારે કોઇ ચીજ પરિપકવ થાય છે ત્યારે તેણે ખરી જવું પડે છે. ફળ, ફૂલ, છોડ પરિપકવ થતાં ખરી પડે છે તેમ માનવે પણ ખરી જવું જોઇએ.’ આજથી 20 વર્ષ પહેલાંની સાચી ઘટના છે. લંડનની સાઈકિયાટીસ્ટ મહિલા ડોકટર- ‘સિયાન મેકિવર’એ અચાનક પ્રેકટીસ છોડી દીધી અને સ્ટેશન બહાર બેસીને બૂટ પોલિશનો ધંધો શરૂ કર્યો! તેને બહુ મઝા પડતી. તે એટલી વ્યવસ્થિત રીતે એકાગ્રતાથી અને ભાવથી બૂટપોલિસ કરતી કે તેની બૂટપોલિશની કંપની ‘બર્ફસ’ જાણીતી બ્રાન્ડ બની ગઈ! ચાલો, સિદ્ધિનો જીવન પ્યાલો ભરાઈ જાય ત્યારે બાજી સંકેલી લઈને આંતરિક વિકાસમાં લાગી જઇએ. સાવ નક્કામાં બની જઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top