સાયણ: ઓલપાડના સાયણ ટાઉનમાં (Sayan Town) બે ઓરિસ્સાવાસી શ્રમજીવીઓ નજીવી બાબતે બાખડ્યા હતા. આ બબાલમાં એક ઈસમે બીજા શ્રમજીવી ઉપર માથાના ભાગે ચપ્પુથી (Knife) હુમલો (Attack) કરી હોસ્પિટલ (Hospital) ભેગો કરતાં ૧૨ ટાંકા આવતાં મામલો પોલીસમથકમાં (Police Station) પહોંચ્યો છે.
મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની નિરંજન દામ નાહક (ઉં.વ.૪૨) હાલ ઓલપાડના સાયણ ટાઉન નજીકના દેલાડ પાટિયા પાસે આવેલા શાંતિ કોમ્પ્લેક્સની બાજુમાં શિવશક્તિની બાજુની રૂમમાં રહે છે. તે ટેક્સટાઇલ યુનિટમાં મજૂરીકામ કરી પેટિયું રળે છે. તેની બાજુની રૂમમાં ઓરિસ્સા તેના જ વતનનો હિમાલય દામ નાહક રહે છે. ગત ગુરુવારે રાત્રે નિરંજન સાથે પડોશી હિમાલયે ગાળો બોલી માર મારવાની ધમકી આપી હતી. આથી તેણે ગાળો ન બોલવાનું કહી જણાવ્યું હતું કે, તું મારી સાથે સારો વ્યવહાર રાખતો નથી. જેથી હવે હું અહીંથી બીજે ક્યાંક રહેવા જતો રહેવાનો છું. તેમ કહેતાં આરોપી હિમાલય એકદમ ઉશેરાઇ ગયો હતો અને ફરી તેને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને રૂમમાંથી ચપ્પુ લાવી નિરંજનને માથાના ભાગે માર્યુ હતું. આથી નિરંજનને માથામાં લોહી નીકળતાં સારવાર અર્થે સાયણની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં માથાના ભાગે ૧૨ ટાંકા આવ્યા હતા. આ બાબતે નિરંજને આરોપી હિમાલય વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો.સંતોષ મંગુ કરી રહ્યા છે.
ડોલવણના વરજાખણ ગામે વૃદ્ધ પર લોખંડના સળિયા વડે હુમલો
વ્યારા: ડોલવણ તાલુકાના કણધા ગામે ગોચર ફળિયામાં રહેતા બાબલુભાઇ લખિયાભાઇ કોંકણી (ઉં.વ.૬૦) પોતાની મોટી દીકરી જશોદાબેન બીમાર હોવાથી તેમને દવા આપવા માટે ગારપાણી ગામે જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે આશરે નવેક વાગ્યાના અરસામાં બબડતાં બબડતાં ચાલતા જતા હતા. એ વેળા વરજાખણ ગામે ડુંગરી ફળિયામાં શંકર જેઠિયાભાઇ કોંકણીના ખેતર પાસે વરજાખણ ગામે ડુંગરી ફળિયામાં રહેતા પ્રકાશ છગનભાઇ ઢોડિયા પટેલે તેમને બોલે છે તેવું લાગતાં એકદમ આવેશમાં આવી ગયો હતો. પ્રકાશ પટેલે આ બાબલુ કોંકણીને લાકડીના સપાટા તેમજ લોખંડના સળિયા વડે માથામાં તથા કપાળના ભાગે જીવલેણ હુમલો કરતાં બાબલુ કોંકણી ગંભીર રીતે ઘવાયા હતા. લોહીલુહાણ થઈ જતાં તેમને ઘાયલ અવસ્થામાં સારવાર માટે ૧૦૮માં ડોલવણ સરકારી દવાખાને લઇ જતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગેની મોતને ભેટેલા બાબલુભાઇના પુત્ર ઉમેદભાઇ કોંકણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હુમલાખોર પ્રકાશ ઢોડિયા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.