Trending

‘બિકમિંગ’ જાના થા જાપાન પહોંચ ગયે ચીન

અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ રોબિન્સન ઓબામાએ તેમનું સંસ્મરણ લખ્યું છે, નામ છે ‘બિકમિંગ’. પુસ્તકમાં તેમણે તેમના ગહેરા અંગત અનુભવો, તેમના પરિવારના અતીત, વ્હાઈટ હાઉસમાં તેમના જીવન, સ્વાસ્થ્ય નીતિ માટે તેમનાં કામ અને બે બાળકોની માતા તરીકેની ભૂમિકાની વાતો લખી છે. પુસ્તકના નામ ‘બિકમિંગ’ અસાધારણ છે. એના માટે ગુજરાતીમાં કોઈ શબ્દ નથી, પણ અંગ્રેજીમાં સમજાય તેવો છે; ઉચિત બનતા રહેવું. શબ્દ વર્તમાન કાળમાં છે, એટલે તે ચાલુ પ્રક્રિયાનો સંકેત છે. આ શીર્ષક પાછળ મિશેલનું ગહેરું ચિંતન છે.

અમેરિકાની પ્રસિદ્ધ બ્લેક ટીવી-હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે સાથે એક ટેલિવિઝન કાર્યક્રમમાં મિશેલે તેનો ફોડ પાડ્યો હતો; “હું જયારે નાની હતી, ત્યારે મારાં અરમાન સાધારણ હતાં. મને કૂતરાની ખ્વાહિશ હતી. મેં સીડીવાળા ઘરની તમન્ના કરી હતી, જેના બે ફ્લોર હોય. ખબર નહીં પણ કેમ, મારા પિતાને ગમતી હતી તેવી બે દરવાજાવાળી બ્યુઈક કારને બદલે મને ચાર દરવાજાવાળું સ્ટેશન વેગન જોઈતું હતું. હું લોકોને કહેતી ફરતી હતી કે હું મોટી થઈને પીડિએટ્રિશન થવાની છું. કેમ? કારણ કે મને બાળકો વચ્ચે રહેવાનું ગમતું હતું, અને મને એ પણ ખબર પડી ગઈ હતી કે મોટેરાં લોકોને મારો જવાબ સાંભળીને સારું લાગતું હતું. અરે વાહ, ડોકટર! શું ચોઈસ છે! એ દિવસોમાં હું ચોટલીઓ રાખતી હતી, મારા ભાઈ પર હુકમ ચલાવતી હતી, અને ગમે તે થાય તો પણ સ્કૂલમાં એ ગ્રેડ મેળવતી હતી. હું મહત્ત્વાકાંક્ષી હતી, પણ એ ખબર ન હતી કે મારે કયું તીર મારવું છે. આજે મને એવું લાગે છે કે એક બાળકને એવું પૂછવું કે ‘મોટા થઈને તારે શું બનવું છે?’

CHICAGO, IL – NOVEMBER 13: ” Becoming”, a book by former first lady Michelle Obama, is displayed at the 57th Street Books bookstore on November 13, 2018 in Chicago, Illinois. In the book, which went on sale today, Obama describes her journey from Chicago’s South Side to the White House. (Photo by Scott Olson/Getty Images)

એ સૌથી ઘટિયા સવાલ છે. લોકો એવું માને છે જાણે મોટા થવું એ સીમિત પ્રક્રિયા છે. જાણે ઉંમરના એક પડાવ પર જઈને તમે કશુંક બનો અને પછી તેનો અંત આવી જાય.”
“મોટા થઈને તારે શું બનવું છે?” આ પ્રશ્ન એટલી સહજ રીતે આપણે બાળકોને પૂછીએ છીએ, અથવા આપણને બીજા લોકોએ પૂછ્યો હતો કે મિશેલ ઓબામા કહે છે તે રીતે તેની નકારાત્મકતાને આપણે જોઈ જ શકતા નથી. મોટા થયા પછી પણ આપણે અનેક વખત આ સાંભળતા આવ્યા છીએ. જાણે એન્જિનિયર-ડોકટર બની ગયા એટલે ‘પહોંચી’ ગયા અને પછી કશું કરવાનું રહેતું નથી. જેમ નાની છોકરીઓને મનમાં ઠસાવી દેવામાં આવે છે તેની છેવટની મંજિલ તો લગ્ન જ છે. આપણી વ્યવસ્થા જ એવી છે કે દરેક મા-બાપને એક જ ચિંતા હોય છે છોકરીને મોટી કરીને ‘ઠેકાણે’ પાડી દે

કોઈ વ્યાવસાયિક સ્કિલ હાંસલ કરવી કે લગ્ન કરવા બેશક અગત્યનાં ધ્યેય છે પરંતુ આખી જિંદગીની વ્યાખ્યા કોઈ એક લક્ષ્યથી કરવી, એ બહુ સીમિત દ્રષ્ટિકોણ છે. એવું નથી કે મોટા થવાની એક ઉંમર છે અને પછી એ સમાપ્ત થઇ જાય છે. એવું નથી કે જીવનની પ્રગતિ એક જગ્યાએ આવીને અટકી જાય છે. એવું નથી કે સ્વપ્ન જોવાનું એક ઉમર પછી બંધ થઇ જાય છે.
“મોટા થઈને તારે શું બનવું છે?” આપણે બાળકોને આ સવાલ એવી રીતે પૂછીએ છીએ જાણે તેમની પાસે આગામી દસ, વીસ, ત્રીસ કે ચાલીશ વર્ષ માટે એક જ જવાબ હોય. આ પ્રશ્નમાં એક જ જવાબ અપેક્ષિત છે. તેના બહુ બધા જવાબ એક અપરાધ છે એટલા માટે બાળકો મોટાં થઈને રેસના ઘોડાની જેમ જ એક દિશામાં દોડે છે અને લક્ષ્ય પર પહોંચીને ‘ભયો ભયો’ કરે છે. એક સ્ત્રી લગ્ન કરે, બાળકો પેદા કરે પછી બાકીની જિંદગીનું શું? આપણે એ પછી પણ કશુંક બનતા રહીએ છીએ. જિંદગી ઘોડાની રેસ નથી કે મંજિલે પહોંચે એટલે ખતમ થઇ જાય.

આપણું ‘હોવું’ કારકિર્દીથી કે સંબંધોથી સીમિત નથી. આપણે સતત કંઈ બનતા રહીએ છીએ. બાળપણથી જ આપણામાં એક વિચાર રોપવામાં આવે છે કે કઈ સ્કૂલમાં જવાનું છે, જીવનમાં શું બનવાનું છે, કેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાનાં છે, કેટલાં બાળકો કરવાનાં છે વગેરે. આવાં લક્ષ્ય આપણા માટે જીપીએસ સિસ્ટમ જેવું કામ કરે છે. આપણે તેના આધારે જીવનપથ પર આગળ વધીએ છીએ, પણ એની એક સમસ્યા એ છે તેનાથી આપણી દ્રષ્ટિ સંકુચિત થઇ જાય છે. આપણે જીવનની વૈકલ્પિક સંભાવનાઓ પ્રત્યે આંધળા થઇ જઈએ છીએ. આપણને ખબર નથી કે આગળનો સમય અને સંજોગ કેવી રીતે બદલાઈ જશે? આપણે જીપીએસને એક ટ્રેક પર સેટ કરી દઈએ તો તે દિશા તો સાચી બતાવે, પણ પહોંચાડી દે ખોટી મંજિલ પર.

આપણે જયારે એક પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતા હોઈએ અને એ યોજના આપણા ઈરાદા પ્રમાણે પાર પડતી ન હોય, તો આપણે તેના પર પુનર્વિચાર નથી કરતા. યોજનામાં ત્રુટિ હોઈ શકે એવો વિચાર કરવા માટે આપણે ટેવાયેલા નથી. બલકે આપણને એવું લાગે છે કે આપણા પ્રયાસોમાં કચાશ છે એટલે આપણે બેવડા જોરથી યોજના પર કામ કરીએ છીએ. પરિણામ એ આવે છે કે આપણે વધુ સમય, સંસાધન અને ઊર્જા એમાં લગાવી દઈએ છીએ. કોઈ યોજનામાં આપણે જેટલા વધુ મરણિયાં થઈએ, તેમાંથી બહાર નીકળવાના ચાન્સ ઘટતા જાય.
તમે એવાં ઘણાં લોકોને મળ્યા હશો, જે જીવનમાં ખોટી મંજિલ પર પહોંચી ગયા હશે અને ૩૫ કે ૪૫ કે ૫૫ વર્ષે પસ્તાવો કરતા હશે કે મારે તો ફલાણું કામ કરવું હતું પણ ઢીંકણું કરવામાં ચઢી ગયો. “મોટા થઈને તારે શું બનવું છે?” એ પ્રશ્નની સૌથી મોટી ત્રુટિ એ છે કે તેનાથી બાળકો ખુદને કામથી વ્યાખ્યાયિત કરતાં થઇ જાય છે. એના જવાબમાં ‘ મારે સારા માતા કે પિતા થવું છે,’ કે ‘સારા માણસ થવું છે’ એવું કહેવું સામાજિક રીતે અમાન્ય છે. એટલા માટે બાળકો જીવનને સફળતાના માપદંડથી જ મૂલવતાં થઇ જાય છે. આપણે જયારે આપણને આપણી કારકિર્દીથી વ્યાખ્યાયિત કરીએ, પછી આપણું મૂલ્ય આપણે શું સિદ્ધિ મેળવીએ છીએ, તેનાથી નક્કી થાય છે.
એટલા માટે જ બધાને ડૉકટર બનવું હોય છે અથવા એન્જિનિયર બનવું હોય છે. કામને આપણે સામાજિક મોભા બનાવી દઈએ છીએ અને એ પ્રમાણે આપણને તેમાં ફીટ કરીએ છીએ. આપણે આપણી અંદરની વૈકલ્પિક સંભાવના જોતા નથી એટલે આપણો જાના થા જાપાન ઔર પહોંચ ગયે ચીન જેવો ઘાટ થાય છે.

તો શું કરવાનું? પ્રશ્ન બદલી નાખો. બાળકોને “મોટા થઈને તારે શું બનવું છે?” એવું પૂછવાને બદલે એવું પૂછો કે “મોટા થઈને તારે કયો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે?” તેનાથી તે બહુ બધી સંભાવનાઓ વિશે વિચારી શકશે. દરેક વ્યક્તિ તેની સમસ્યાઓ લઈને પેદા થાય છે અને તે જીવનમાં જે પણ કરે છે તે સમસ્યાના ઉકેલ માટે કરે છે. તમે બાળકોને એવો વિચાર આપી શકો કે તે દુનિયામાં શું ચેન્જ લાવવા માંગે છે અથવા વ્યાપક હિતમાં શું કરવા માંગે છે? તમે એવું પૂછી શકો તને બીજાને મદદ કરવાનું, લખવાનું, ભણાવાનું, કશું સર્જન કરવાનું સારું લાગે છે? એમાં ક્યા અવરોધો આવે? તેને કેવી રીતે સોલ્વ કરાય? ડૉકટર કે એન્જિનિયર બનવું ખોટું નથી, પણ પ્રશ્ન એવો જોઈએ કે ઉત્તમ ડોકટર અને શ્રેષ્ઠ એન્જિનિયર કેવી રીતે બનાય?
બાળકોને તેમના અને બીજાઓના જીવનની સમસ્યાઓ પર વિચાર કરવાની પ્રેરણા આપવી જોઈએ. તેમાંથી એ ખુદનો રસ્તો પસંદ કરશે અને તે વધુ સફળ અને સંતોષજનક હશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top