અમદાવાદ: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બહુ પ્રતિષ્ઠિત અને રસાકસીભરી ચૂંટણી બાદ મતગણતરી શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ ઉભો થયો હતો. મતદાન પૂર્ણ થયા બાદ આજથી ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે મતગણતરી શરૂ થવાની હતી, પરંતુ મુખ્ય ચૂંટણી રિટર્નિંગ ઓફિસર તથા બંને જોઇન્ટ રિટર્નિંગ ઓફિસરોએ સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં મતગણતરી શરૂ કરવાની ના પાડી દીધી હતી. જોકે, આ મામલે મુખ્ય ચૂંટણી રિટર્નિંગ ઓફિસર અને બંને જોઇન્ટ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરાયેલી રજુઆત બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ૧૨ વકીલ ઉમેદવારો તથા બે ટેકેદાર વકીલોને શો-કોઝ નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવતાં હવે આવતીકાલે સવારે આઠ કલાકથી હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે મતગણતરી થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.
આ અગાઉ મુખ્ય ચૂંટણી રિટર્નિંગ ઓફિસર એચ.એમ. પરીખ તથા જોઇન્ટ રિટર્નિંગ ઓફિસર આર.સી. જાની અને મિલન એન. પટેલે જણાવ્યું હતું કે મતદાનના દિવસે ૬ માર્ચે સાંજે કેટલાક વકીલ ઉમેદવારો અને તેમના એજન્ટોએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને ધમકી પણ આપી હતી. આ ઘટનાને લઇ તેમણે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા તથા સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશ મુજબ રચાયેલી હાઈ પાવર્ડ ઇલેકશન કમિટી સહિત સત્તાધીશોને પત્ર લખી ફરિયાદ કરી છે. તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે, જયાં સુધી મતગણતરી સ્થળે પુરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી ન થાય અને ઉમેદવારો તરફથી શાંતિપૂર્ણ તથા યોગ્ય વર્તન રાખવાની બાંહેધરી ન આપવામાં આવે, ત્યાં સુધી તેઓ મતગણતરી શરૂ કરી શકશે નહીં.
સાથે જ પત્રમાં ગેરવર્તન કરનાર ૧૨ જેટલા વકીલ ઉમેદવારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે આજે થનારી મતગણતરી પણ અટકાવી દેવામાં આવી હતી. જોકે, મોડી રાત્રે થયેલી કાર્યવાહી મુજબ બીસીઆઈએ આ તમામ વકીલોને કડક ચેતવણી આપી છે કે તેઓ મુખ્ય ચૂંટણી રિટર્નિંગ ઓફિસર અથવા જોઇન્ટ રિટર્નિંગ ઓફિસરોની મતગણતરી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો અવરોધ કે અડચણ ઉભી નહીં કરે અને વ્યવસાયિક ગેરવર્તનથી દૂર રહેશે. જેને પગલે વિવાદ ઠંડો પડ્યો હતો.

ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં મતગણતરી અટકી
ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મતગણતરી શરૂ થવાની સાથે જ વિવાદ ઊભો થતાં પ્રક્રિયા અટકાવી દેવાની ફરજ પડી છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે મતગણતરી યોજાવાની હતી, પરંતુ કેટલાક ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ મતગણતરી નહીં થાય તેવી આશંકા વ્યક્ત થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી કમિશનરે 12 વકીલ ઉમેદવારો સામે અરજી દાખલ કરી છે અને સમગ્ર મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) તેમજ ઇલેક્શન હાઈ પાવર કમિટીને પત્ર લખ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં અવરોધને લઈને ચૂંટણી કમિશનરે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ભારે રસાકસી વચ્ચે યોજાઈ હતી. વકીલઆલમ માટે અત્યંત મહત્વની ગણાતી આ ચૂંટણીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો પર લગભગ 450 પોલિંગ અધિકારીઓની હાજરીમાં અને સીસીટીવી કેમેરાની કડક નજર હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારથી જ મતદાન માટે વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મતદાન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન થયું હતું. અમદાવાદ શહેરમાં આશરે 54 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે મહેસાણા, પાલનપુર, કચ્છ, ગોધરા અને ડીસા જેવા કેન્દ્રોમાં 80 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું હતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 30 ટકા મહિલા અનામતને ધ્યાનમાં રાખીને આ વખતે કુલ 23 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 20 જેટલી મહિલા ઉમેદવારો મેદાનમાં હોવાથી મહિલા વકીલોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.
જોકે, મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ મતદાન મથક બહાર મતપેટીઓની સુરક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. વકીલોએ આક્ષેપ કર્યો હતો કે મતો ભરેલી મતપેટીઓ પૂરતી સુરક્ષા વગર આઈશર વાહનમાં મૂકી દેવામાં આવી હતી અને તેની સાથે કોરા બેલેટ પેપરના બોક્સ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ટેમ્પરિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉમેદવાર નરેન્દ્ર માધુ અને તેમની ટીમે આ ઘટના નજરે પડતાં તરત વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી હોબાળો મચાવ્યો હતો. વકીલોના આક્ષેપ મુજબ મતપેટીઓ લઈ જતું વાહન અંધારામાં ગલીમાં સુરક્ષા વગર ઉભું રાખવામાં આવ્યું હતું. મામલો ગરમાતા ચૂંટણી કમિશનરે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
અંતે પોલીસની હાજરીમાં મતપેટીઓને સીલ કરવામાં આવી અને તમામ પેટીઓને સુરક્ષિત રીતે ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલમાં મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાઈ છે અને તેની બહાર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ હેઠળ રાખવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રથમ વખત મોટા પાયે સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી. અમદાવાદ અને સુરત સહિતના મતદાન મથકો પર હાઈ-ડેફિનેશન કેમેરા લગાવવામાં આવ્યા હતા. સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આ ચૂંટણીમાં માત્ર વકીલો જ નહીં પરંતુ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ સક્રિય જોવા મળ્યા હતા, જેમણે પોતાના પેનલના ઉમેદવારો માટે વ્યૂહાત્મક ગોઠવણ કરી હતી.હાલ મતગણતરીને લઈને ઊભી થયેલી ગૂંચવણને કારણે સમગ્ર વકીલ આલમમાં ચકચાર મચી છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે તે અંગે સૌની નજર ચૂંટણી સત્તાધીશો પર ટકી છે.