Sports

કમાણીમાં BCCIનો બમ્પર રેકોર્ડ: પાંચ વર્ષમાં 14,627 કરોડની આવક કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંનું એક કહેવાય છે. તાજેતરના એક અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં BCCIએ કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન બોર્ડની આવક બમણી થઈ ગઈ છે અને તેણે કુલ 14,627 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2023-24માં જ BCCIએ 4,193 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાથે જ, બોર્ડની રોકડ બેલેન્સ 20,686 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડો રાજ્ય ક્રિકેટ સંગઠનોના બાકી લેણાં ચૂકવવા પહેલાંનો છે. એટલે કે વાસ્તવિક બેલેન્સમાં થોડો ઘટાડો થશે છતાં પણ બોર્ડની સ્થિતિ ખૂબ મજબૂત છે.

સામાન્ય ભંડોળમાં બમણો વધારો
2019માં BCCIનું સામાન્ય ભંડોળ 3,906 કરોડ રૂપિયા હતું. જે હવે વધીને 7,988 કરોડ રૂપિયા થયું છે. એટલે કે પાંચ વર્ષમાં લગભગ બમણો વધારો થયો છે. આ દર્શાવે છે કે બોર્ડની નાણાકીય સ્થિતિ સતત મજબૂત બની રહી છે.

આવકના સ્ત્રોત
BCCI મુખ્યત્વે મીડિયા રાઇટ્સ, સ્પોન્સરશિપ અને IPLમાંથી મોટી કમાણી કરે છે. ઉપરાંત તેને ICC તરફથી આવકનો મોટો હિસ્સો મળે છે. હાલ ટીમ ઈન્ડિયા માટે કોઈ ટાઇટલ સ્પોન્સર નથી પરંતુ આ બાબત બોર્ડ માટે મોટી ચિંતા નથી. કારણ કે તેની પાસે પહેલેથી જ પૂરતા ફંડ્સ ઉપલબ્ધ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI પાસે એટલા પૈસા છે કે તે વર્ષો સુધી કોઈ સ્પોન્સર વગર પણ ટીમ ઈન્ડિયાને ચલાવી શકે.

આવકવેરો પણ ચૂકવશે
BCCIએ જાહેર કર્યું છે કે વર્ષ 2023-24 માટે તે આશરે 3,150 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવશે. આ આંકડો બતાવે છે કે બોર્ડની કમાણી કેટલી વિશાળ છે.

યુવા પ્રતિભાને પ્રોત્સાહન
નાણાકીય મજબૂતી સાથે, BCCI દેશભરમાં ક્રિકેટના માળખાને મજબૂત બનાવવા પર પણ ધ્યાન આપી રહ્યું છે. તેણે યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી ટુર્નામેન્ટ શરૂ કરી છે.

આમ છેલ્લા પાંચ વર્ષમાં BCCIએ કમાણીમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે અને તેની નાણાકીય શક્તિ વિશ્વ ક્રિકેટમાં અદ્વિતીય રહી છે.

Most Popular

To Top