નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) સામે આગામી 4 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટની સીરિઝ (Test series) પહેલા ભારતીય ટીમ (Indian cricket team)ને કેટલીક પ્રેક્ટિસ મેચ (Practice match) આપવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરાયેલી વિનંતીને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ધરાર નકારી કાઢતાં હવે ટીમ ઇન્ડિયા ડરહમમાં રિવરસાઇડ મેદાન પર બે ઇન્ટ્રા સ્કવોડ મેચ રમશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાને કાઉન્ટી ટીમો સામે પણ ફર્સ્ટક્લાસ પ્રેક્ટિસ મેચ મળવાની કોઇ સંભાવના નથી.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નોટિંઘમમાં 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પૂર્વે કોઇ પણ ફર્સ્ટક્લાસ મેચ ન મળવા અંગે પોતાની નારાજગી દર્શાવી હતી. ઇસીબીના પ્રવક્તાએ શુક્રવારે પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ-19ના પ્રોટોકોલ અનુસાર તેઓ ઓગસ્ટમાં રમાનારી પહેલી ટેસ્ટ પૂર્વે પોતાના ખેલાડીઓની બે ટીમ બનાવીન ચાર દિવસીય બે મેચ રમશે. બીસીસીઆઇએ ઇસીબી સમક્ષ કેટલીક પ્રેક્ટિસ મેચ રમાડવાની વિનંતી કરી હતી, પણ કોરોનાની સ્થિતિે કારણે આ પ્રકારની યોજનાને પૂર્ણ કરવી મુશ્કેલ થશએ. તેમને પુછાયું કે કાઉન્ટી ટીમો સામે કોઇ મેચ રમાડી શકાશે કે નહીં, ત્યારે પ્રવક્તાનો જવાબ ના રહ્યો હતો. ઇંગ્લેન્ડમાં વિવિધ કાઉન્ટી ટીમોના ખેલાડીઓને કોઇ બાયો બબલમાં રખાયા નથી પણ તેમના નિયમિત કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
ભારતીય ટીમ 14 જુલાઇએ ફરી લંડનમાં એકત્ર થશે અને ત્યાંથી ડરહમ રવાના થશે, અને ત્યાં જઇને તેઓ ફરીથી બાયો બબલમાં રહેશે. બીસીસીઆઇના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ઇંગ્લેન્ડના ડોમેસ્ટિક ખેલાડીઓ બાયો બબલમાં નથી, અને એ બાબત ચોક્કસ જ એક મુદ્દો છે. તેથી ડરહમમા ભારતીય ટીમના ખેલાડીઓ બે ટીમમાં વહેંચાઇને જ મેચ રમશે. ભારતીય ટીમ 20 સત્તાવાર અને 4 રિઝર્વ મળીને કુલ 24 ખેલાડીઓને આ પ્રવાસે લઇ ગઇ હોવાથી તેમને ઇન્ટ્રા સ્કવોડ મેચ રમવામાં સરળતા રહેશે.
રાષ્ટ્રીય પસંદગીકાર ચેતન શર્મા અને સુનિલ જોશી ઇંગ્લેન્ડ જવાના નથી
ઇંગ્લેન્ડમાં આકરા ક્વોરેન્ટીન નિયમોને ધ્યાને લેતા ભારતીય ટીમના રાષ્ટ્રીય પસંદગીકાર ચેતન શર્મા અને વરિષ્ઠ પસંદગીકાર સુનિલ જોશી પાંચ ટેસ્ટની સીરિઝ માટે ઇંગ્લેન્ડ જવાના નથી. ભારત ઇંગ્લેન્ડના રેડ લિસ્ટમાં હોવાથી ભારતથી યુકે જનારી કોઇ સીધી ફ્લાઇટ નથી. જો કોઇએ ઇંગ્લેન્ડ જવું હોય તો ટીમ ઇન્ડિયા ગઇ તે રીતે ચાર્ટર ફ્લાઇટમાં જઇ શકે અથવા તો પહેલા યુકેના રેડ લિસ્ટમાં નથી એવા દેશમાં જઇને ત્યાં ક્વોરેન્ટીન થયા પછી ત્યાંથી ઇંગ્લેન્ડની ફ્લાઇટ લઇ શકે. અન્ય પસંદગીકારો દેવાશિષ મોહંતી અને અબે કુરૂવિલા મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા શ્રીલંકા જનારી ટીમ સાથે જશે.