ક્રિકેટપ્રેમીઓએ ટી.વી. પર નિહાળ્યું હશે કે તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ભૂતપૂર્વ સ્ટમ્પર હવે ટી.વી. પર કોમેન્ટ્રી કરી રહ્યો છે. અજીત અગારકરે નિવૃત્તિ પછી મુંબઇ ક્રિકેટ એસો. સાથે સક્રિયતા બનાવી હતી. એ મુંબઇનો સિલેકટર પણ રહી ચૂકયો છે. હવે એ પણ ટી.વી. પર નિષ્ણાત વકતા તરીકે સેવા આપી રહ્યો છે. આવા અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો બીસીસીઆઇ સાથે સારા સંબંધો જાળવી રાખીને બ્રેડ એન્ડ બટર મેળવી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટરો નાની મોટી નગરીઓમાં એકેડેમી ચીફ બન્યા છે. એકડમી ચલાવે છે અન્યો પણ ક્રિકેટરના નામ પર કમાણી કરવામાં આવે છે. ભૂતપૂર્વ ક્રિકેટરના સંબંધો બીસીસીઆઇ સાથે સારા હોય તો એકેડેમીને અન્ય લાભો પણ મળે છે.
ભારતમાં ઢગલેબંધ ટ્રોફીઓ રમાય છે. રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, મુશ્તાક અલી ટ્રોફી, આઇપીએલ સંખ્યાબંધ મેચો તથા બોર્ડ સંચાલિત અન્ય ટુર્નામેન્ટોમાં માત્ર ભૂતપૂર્વ આં.રા. ખેલાડીઓ જ નહીં પણ ભૂતપૂર્વ ઘરેલુ ક્રિકેટના ક્રિકેટરોને એસો.નો અને બોર્ડના સંકલન સાથે ઘણી જોબ મળી રહે છે. આ ડયુટીઓમાં વહીવટી, અમ્પાયરીંગ કયુરેટર્સ, કોમેન્ટ્રી, પસંદગી, કોચિંગ કે કેમ્પ વિગેરેમાં કાર્યરત રાખીને રોજીરોટી આપે છે. એમાંયે પસંદગીકારોને તો ધીકતા નાણાં મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને બેનેવેલ ફંડનો લાભ મળે છે, જે નિવૃત્તિ પછી મળે છે. ફર્સ્ટકલાસ ક્રિકેટરને એ કેટલી મેચો રમ્યો એ પ્રમાણે નિવૃત્તિ પછી પેન્શન જેવી સ્કીમનો લાભ મળે છે. આજે એક રણજીટ્રોફી મેચ રમવાના ત્રણેક લાખ રૂપિયા મળે છે.
ભૂતકાળમાં આવી આર્થિક વ્યવસ્થાઓ ન હતી. એવા પણ બનાવો નોંધાયા છે. મેચવિનર અને ટેસ્ટમાં ૨૪૪ વિકેટો ઉપાડી ચૂકેલા વૃદ્ધ ક્રિકેટર ભાગવત ચંદ્રશેખરે શસ્ત્રક્રિયા કરાવવા માટે બોર્ડ સામે ઝોળી ફેલાવવી પડી હતી. આવું જ સીએસ નાયડુ સાથે બન્યું હતું અને નાયડુએ મદદ માંગી હતી. હવે તો ક્રિકેટરોને મેડિકલની સવલતો મળે છે. બોર્ડ સાથે સંકળાયેલાઓને પણ આનો લાભ મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પરદેશ જઇ વૈભવી ટ્રીટમેન્ટનો લાભ મળે છે. યુવરાજસીંગ આવો જ લાભ ઉઠાવી ચૂકયો છે.
સેન્ટ્રલ – કોન્ટ્રેકટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે સૌથી મોટો લાભાલાભ છે. ૩૦ થી ૩૫ ક્રિકેટરોને પ્રદર્શનો પ્રમાણે વર્ગીકરણ કરી લાભો અપાય છે. આંતરરાષ્ટ્રીય મેચો ન રમતાં ક્રિકેટરને એક વાર સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં સામેલ હોય એનો સીધો લાભ મળે જ છે. સિનિયરો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા તૈયાર જ નથી. જે લાભો સક્રિયતામાં મળે એ નિવૃત્તિમાં મળતો નથી! ધોની કે તેન્ડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરો આથી જ નિવૃત્તિ માટે આનાકાની કરતા હતા. આવા નામી ક્રિકેટરોને હટાવવાની નૈતિક હિંમત પણ બોર્ડ કે પસંદગીકારોમાં નથી.
જયારથી લોઢા કમિટિ અને સુપ્રિમ કોર્ટે હવાલો લીધો હતો ત્યારથી અનેક પરિવર્તનો સંચાલનમાં આવ્યાં છે. સંચાલનમાં વયમર્યાદા હવે ૬૦ વરસની છે. ક્રિકેટ એસો.ના ખાઇબદેલા વહીવટીકારો ફેવિકોલની માફક ચીપકીને બેઠા હતા. હવે વહીવટમાં ભૂતપૂર્વ ક્રિકેટરોને જ પ્રાધાન્ય અપાય છે. હાલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી છે. મંત્રી જય શાહ (સૌરાષ્ટ્રનો ભૂતપૂર્વ કેપ્ટન), પસંદગી સમિતિમાં તો માત્ર ક્રિકેટરો જ હોય છે. ટીમ ઇન્ડિયાના ચીફ કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ, બોલિંગ કે ફિલ્ડીંગના કોચ ભૂતપૂર્વ ક્રિકેટરો છે. સૌથી મહત્ત્વનું પદ એકેડેમી ચીફ રાહુલ દ્રવિડ છે. આમ સંચાલનની પૂરેપૂરી ધુરા ભૂતપૂર્વ ક્રિકેટરોના હાથમાં છે. કોમેન્ટ્રી બોકસમાં ઇંગ્લીશ કે હિન્દીમાં બધા જ ક્રિકેટરો છે. હર્ષ ભોગલે જ બહારનો વકતા છે.
રહી વાત આઇપીએલની. આગામી ચૌદમી સીઝન હશે. બીસીસીઆઇ સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ મનાય છે. અહીં અબજોની ઉથલપાથલ છે. આંતરરાષ્ટ્રીય જાણીતા ક્રિકેટરો અહીં આવી ધીકતી કમાણી કરે જ છે. ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો નાની મોટી કમાણી કરે છે. પણ જે ભારતીય ક્રિકેટરો આં.રા. મેચો રમતા નથી એ પણ સારી આવક મેળવે છે. આઇસીસીમાં આઇપીએલને કારણે બીસીસીઆઇનું કદ વધ્યું છે. ભારતીય ક્રિકેટનો આખો આર્થિક સિનારિયો આઇપીએલને કારણે બદલાયો છે. આથી જ ક્રિકેટરો શ્રીમંત બન્યા છે અને ઘરેલુ ક્રિકેટરો પગભર બન્યા છે.
(એ જાણીતી વાત છે કે આઇપીએલને કારણે બીસીસીઆઇ એક તગડુ ક્રિકેટ એકમ બની ચૂકયું છે. પણ લાભો માત્ર ટીમ – ઇન્ડિયાના આં.રા. ક્રિકેટરો જ મેળવતા નથી. ઘરેલુ ક્રિકેટરો પણ સક્રિય હોય ત્યારે આઇપીએલ કે વેતનોમાંથી કમાણી કરે છે અને નિવૃત્તિ પછી પણ અનેક વહીવટી પદો પર ક્રિકેટરો જ હોય છે. બોર્ડે હવે સક્રિય કે નિવૃત્ત ક્રિકેટરો માટે લાભો મળતા રહે એવી સ્કીમો ઊભી કરી છે.)