National

BCCIમાં રાહુલ દ્રવિડના 2 વર્ષ પૂર્ણ થતા NCA હેડ પદ માટે અરજીઓ મગાવી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના હેડ પદ માટે અરજીઓ મગાવી છે. એનસીએ અધ્યક્ષ તરીકે 8 જુલાઇ 2019ના રોજ રાહુલ દ્રવિડ (Rahul drawid)ની નિમણૂંક થઇ હતી અને તેનો બે વર્ષનો કાર્યકાળ પુરો થઇ ગયો છે.

ટીમ ઇન્ડિયા (Team India)નો માજી કેપ્ટન (Former captain) અને હાલનો એનસીએ ચીફ (NCA Chief) આ પદ માટે ફરી અરજી કરે તેવી સંભાવના છે. જો કે એવું માનવામાં આવે છે કે બીસીસીઆઇ તેને ભારતીય ક્રિકેટમાં તેનાથી મોટી જવાબદારી સોંપી શકે છે. ભારતની મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડ હાલમાં જ શિખર ધવનની આગેવાની હેઠળ શ્રીલંકા (Srilanka) પ્રવાસે ગયેલી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગયો હતો. બીસીસીઆઇના સૂત્રોએ માહિતી આપી હતી કે આગામી ટી-20 વર્લ્ડકપ પછી રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે અને એવી પુરી સંભાવના છે કે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનશે.

રાહુલ દ્રવિડને જો કે હાઇ પ્રોફાઇલ ભૂમિકામાં હાલ કોઇ રસ નથી
શિખર ધવનના નેતૃત્વ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની છ મર્યાદિત ઓવરોની મેચની સીરિઝ પુરી થયા પછી ટીમના કોચ તરીકે ગયેલા રાહુલ દ્રવિડને ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા બાબતે જ્યારે સવાલ કરાયો હતો ત્યારે તેણે આ મુદ્દે હાલ પોતાની કોઇ પ્રતિબદ્ધતા દાખવી નહોતી. તેણે કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો હકીકતમાં હું બહું આગળનું વિચારતો નથી. હું જે કરી રહ્યો છું તેમા મને મજા આવી રહી છે.

ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણાં માટે નિર્ણાયક બની શકે
ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટેની નિર્ધારિત વય મર્યાદા 60 વર્ષની છે અને રવિ શાસ્ત્રીએ મે મહિનામાં 59 વર્ષ પુરા કર્યા છે. જો ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં સારું પ્રદર્શન નહીં કરે તો રાહુલ દ્રવિડનું નામ રાષ્ટ્રીય સીનિયર ટીમના મુખ્ય કોચ તરીકેની રેસમાં સૌથી આગળ રહેશે. કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીની જોડીએ હજુ સુધી આઇસીસીની કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી નથી. જો કે શાસ્ત્રીના કોચ પદ હેઠળ ઓસ્ટ્રેલિયા પ્રવાસ સહિત ટેસ્ટમાં ટીમે સારું પ્રદર્શન કર્યું છે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ તેઓ જીતી શક્યા નથી.

એનસીએ હેડ પર આટલી જવાબદારી હશે
એનસીએ હેડે પુરૂષ અને મહિલા રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ અને અન્ય ક્રિકેટ કોચની સાથે મળીને કામ કરવું પડશે. જેમાં ભારત-એ, અંડર-19, અંડર-23 ટીમોનો સમાવેશ થાય છે. ટીમોની પ્રગતિ પર નજર રાખવાની પણ તેની જવાબદારી રહેશે. સાથે જ સીનિયર મેન્સ એન્ડ વિમેન્સ કોચને જરૂરી માહિતી પણ તે પુરી પાડશે. તેણે પુરૂષ, મહિલા ટીમના રાષ્ટ્રીય પસંદગીકારોની સાથે જ કોચ અને કેપ્ટન સાથે પણ સંવાદ સાધવો પડશે.

એનસીએ હેડ પદ માટે અરજી કરવા માટેની શરતો
નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના હેડ પદ માટે અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી 25 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઇએ. આ ઉપરાંત તે ઇન્ટરનેશનલ/ભારત-એ/અંડર-19/મહિલા ટીમ/આઇપીએલમાં પાંચ વર્ષ સુધી કોચિંગનો અનુભવ ધરાવતો હોવો જોઇએ. આ પદ માટેની અરજી15 ઓગસ્ટે રાત્રે 11.59 વાગ્યા સુધીમાં કરી શકાશે.

Most Popular

To Top