ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ દરમિયાન તણાવ વધતો જ રહ્યો છે. BCCIએ સુપર-4 મેચમાં પાકિસ્તાની ખેલાડી હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાનના ઉશ્કેરણીજનક વર્તન અંગે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને સત્તાવાર ફરિયાદ કરી છે. જ્યારે બીજી બાજુ PCBએ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ICCમાં બે ફરિયાદો નોંધાવી છે.
ભારત-પાકિસ્તાનની મેચો હંમેશા ચર્ચામાં રહે છે અને આ વખતે મેદાનની બહાર પણ વિવાદો ગરમાયા છે. તા. 21 સપ્ટેમ્બરે રમાયેલી સુપર-4 મેચમાં હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાનના વર્તન પર BCCIએ કડક વાંધો ઉઠાવ્યો છે. ફરહાને અડધી સદી પૂરી કર્યા બાદ બેટથી “બંદૂકની ઉજવણી” કરી હતી. જ્યારે હરિસ રઉફ સંજુ સેમસનની વિકેટ લીધા પછી આક્રમક હરકત કરી હતી.
ભારતીય ટીમે આ બાબતને ગંભીરતાથી લઈને સત્તાવાર ફરિયાદ કરી છે. સાથે જ BCCIના અધિકારીઓએ જણાવ્યું છે કે આ વર્તન રમતની ભાવના વિરુદ્ધ છે અને કાર્યવાહી જરૂરી છે.
એટલું જ નહીં ફરહાન અને હરિસે અભિષેક શર્મા તથા શુભમન ગિલ સાથે મેદાન પર ઝઘડો કર્યો હોવાનો પણ આક્ષેપ છે. BCCI માને છે કે પાકિસ્તાની ખેલાડીઓનું વર્તન જાણી જોઈને પ્રેરિત હતું. સાહિબજાદાએ બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેની ઉજવણી માત્ર એક ક્ષણિક નિર્ણય હતો પરંતુ BCCIએ તેને બહાનું ગણાવ્યું છે.
બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તા. 14 સપ્ટેમ્બરના મુકાબલામાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે બે ફરિયાદો ICCમાં નોંધાવી છે. પહેલી ફરિયાદ ટોસ બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવવાના મુદ્દે હતી અને બીજી તેમની પ્રેસ કોન્ફરન્સની ટિપ્પણીઓ અંગે હતી.
આ ફરિયાદો બાદ મેચ રેફરી રિચી રિચાર્ડસને સૂર્યાને ઇમેઇલ કરીને જવાબ માંગ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સૂર્યાના નિવેદનો રમતની છબીને નુકસાન પહોંચાડે છે. જો તેઓ આરોપ સ્વીકારશે નહીં તો સુનાવણી યોજાશે જેમાં PCB પ્રતિનિધિ સૂર્યા અને રિચાર્ડસન હાજર રહેશે.
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે.લીગ મેચમાં સાત વિકેટથી અને સુપર-4માં છ વિકેટથી. આ હાર પછી પાકિસ્તાની ટીમ અને તેમનું બોર્ડ સ્પષ્ટ રીતે નારાજ છે. PCBએ અગાઉ પણ UAE સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને ભારત સામેની સુપર-4 મેચ પહેલાં નક્કી કરેલી પ્રેસ કોન્ફરન્સ રદ કરી હતી.
આ સમગ્ર વિવાદથી સ્પષ્ટ છે કે ભારત-પાકિસ્તાનની ટક્કર ફક્ત મેદાન પર જ નહીં પરંતુ બહાર પણ ગરમાઈ રહી છે. હવે નજર ICC અને મેચ રેફરી પર રહેશે કે તેઓ બંને દેશોની ફરિયાદો પર કઈ કાર્યવાહી કરે છે.