નવી દિલ્હી : ભારતની (India) 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો (Hero) રોજર બિન્ની, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે અને તે 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં બિન્ની માટે પદ છોડશે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા તર્કવિતર્ક પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેંગલુરુ સ્થિત 67 વર્ષીય બિન્ની બોર્ડના 36મા અધ્યક્ષ હશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ સતત બીજી ટર્મ માટે બીસીસીઆઇ સચિવ તરીકે ચાલુ રહેશે. આ સિવાય શાહ આઈસીસી બોર્ડમાં ગાંગુલીનું સ્થાન પણ લેશે. બીસીસીઆઈના પદાધિકારીઓમાં એકમાત્ર કોંગ્રેસી રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. રમતમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ સિંહ ધૂમલ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના અધ્યક્ષ તરીકે બ્રિજેશ પટેલનું સ્થાન લેશે.
મહારાષ્ટ્ર ભાજપના નેતા આશિષ શેલાર બોર્ડના નવા ખજાનચી હશે જેનો અર્થ છે કે તેઓ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના પ્રમુખ બની શકશે નહીં. તેઓ શરદ પવાર જૂથના સમર્થનથી આ ભૂમિકા ભજવવાના હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નજીકના સાથી દેવજીત સૈકિયા નવા સંયુક્ત સચિવ હશે. તેઓ જયેશ જ્યોર્જનું સ્થાન લેશે. બીસીસીઆઈ આઈસીસી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના નામ આગામી થોડા દિવસોમાં અંતિમ યાદી જાહેર થયા બાદ જ જાણી શકાશે.
કેન્દ્ર સરકારના એક પ્રભાવશાળી મંત્રી બોર્ડ પદાધિકારીઓની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી
બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના એક પ્રભાવશાળી મંત્રીએ બોર્ડના પદાધિકારીઓની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિન્ની 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી બીસીસીઆઇ એજીએમમાં સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે. તમામ ઉમેદવારો સર્વસંમતિથી ચૂંટાયા હોવાથી કોઈપણ પદ માટે ચૂંટણી થશે નહીં. મિડિયમ પેસ બોલર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે વર્લ્ડકપની આઠ મેચોમાં 18 વિકેટ લીધી જે તે ટુર્નામેન્ટ માટે એક રેકોર્ડ હતો.
ગાંગુલીની ઇચ્છા અધ્યક્ષપદે જળવાઇ રહેવાની હતી, પણ આ પદે એવું ચલણ ન હોવાનું તેને કહેવાયું
સોમવારે સાંજે મુંબઈ પહોંચેલા ગાંગુલીએ અનેક પ્રભાવશાળી લોકો સાથે વાતચીત કરી હતી. ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ તરીકે ચાલુ રહેવા માટે ઉત્સુક હતો પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે બોર્ડના પ્રમુખપદે આવું કોઇ ચલણ નથી. ગાંગુલીની ચિત્રમાંથી વિદાયની સાથે જ પૂર્વનું પ્રતિનિધિત્વ હંમેશા આસામના સીએમ બિસ્વા સરમાના કહેણ પર રહ્યું હતું કારણ કે તેમણે છેલ્લી વખતે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પ્રમુખપદ માટે રોજર બિન્નીની પસંદગી ઘણાંને આશ્ચર્યજનક લાગી
બીસીસીઆઇના અધ્યક્ષ પદે રોજર બિન્નીની વરણી ઘણાંને આશ્ચર્યજનક લાગી રહી છે. જો કે બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું હતું કે રોજર એક સારો વ્યક્તિ છે જેણે ભારત માટે રમતી વખતે દેશનું નામ રોશન કર્યું હતું. તે વર્લ્ડકપનો હીરો છે અને તેની ઇમેજ ક્લિન છે. જ્યારે તેમનો પુત્ર સ્ટુઅર્ટ ભારતીય ટીમમાં પસંદગીનો દાવેદાર બન્યો ત્યારે તેમણે પસંદગી સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.
ગાંગુલીને આઇપીએલ અધ્યક્ષ પદની ઓફર કરાઇ પણ તેણે નન્નો ભણતા તે અરૂણ ધૂમલને મળ્યું
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરવને આઈપીએલના અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે નમ્રતાથી તેનો ઇનકાર કર્યો હતો. તેની દલીલ એવી હતી કે એકવાર તેઓ બીસીસીઆઈના પ્રમુખ બન્યા પછી તેની પેટા સમિતિના વડા બની શકાતું નથી. આ અંગે નિર્ણય કરનારાઓ ગાંગુલીના નિર્ણયની રાહ જોતા હતા અને જ્યારે તેણે આઈપીએલના અધ્યક્ષ બનવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે આ પદ હિમાચલ પ્રદેશના ધૂમલને સોંપ્યું હતું.