Vadodara

BCAની બરોડા પ્રીમિયર લીગનો ફિયાસ્કો : વધુ એક મેચ રદ

કોટંબી સ્ટેડિયમમાં ફરી વરસાદી વિધ્ન આવતા પાણી ભરાયા

એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચેની મેચ ના રમાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

બરોડા પ્રિમીયર લિગના નામે જલસો કરતા બરોડા ક્રિકેટ એસોસિએશનના વહીવટદારોનો વહીવટ કેટલો યોગ્ય છે. તે વરસાદી માહોલમાં જોવા મળી રહ્યો છે. ચોમાસાના કારણે વરસી રહેલા વરસાદે કોટંબી મેદાન પાણી પાણી કરી નાખ્યું છે. મેદાનને કોરું રાખવાની સાધન સામગ્રીના અભાવે એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી.

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ મેચ શરૂ થાય તે પૂર્વથી આ આયોજન વિવાદમાં જોવા મળ્યું છે. વરસાદી સિઝન આવનાર હોવાનું વહીવટદારોને જાણ હોવા છતાં મેચનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ મેચમા વરસાદી વિઘ્ન આવતા મુલતવી રાખવી પડી હતી. તે બાબત પર આખ આડા કાન કરતા વહીવટદારોએ તો ઊલટા એવા બણગા ફૂંક્યા હતા કે મેદાન ગણતરીના કલાકોમાં સુકાઈ જાય છે. જાણે, જાદુઈ લાકડી ફેરવતા હોય તેવા વહીવટદારોની આવી ગંભીર ભૂલોના કારણે આજે પણ વધુ એક મેચ રદ્દ કરી દેવાઈ હતી. મેચ શરૂ થઈ ત્યારથી મેચ જોવા કોઈ આવતું નથી. ક્રિકેટરોમાં પણ બીસીએના અણગઢ આયોજન સામે છૂપો રોષ ફેલાયો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનનું નામ ક્રિકેટ પ્રેમીઓમાં મોખરે હતું. જોકે, માત્ર કમાવાની હોડમાં રસ ધરાવતા બીસીએના રસૂકદારો વૈભવી હોટેલમાં ટ્રોફીનું અનાવરણ અને જલસા કરવામાજ રસ ધરાવે છે. કરોડો રૂપિયા ઉલેચતા બીસીએ પાસે પાણી ઉલેચવા ઉપયોગમાં લેવાતી આધુનિક મશીનરી જ વસાવી નથી. ત્યારે, વરસાદી પાણી ભરાતા એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી.

Most Popular

To Top