બારડોલી: બારડોલી ટાઉન પોલીસમથક અંતર્ગત આવતા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. ચાર શંકાસ્પદ ઇસમને ચોર જાણીને ટોળાએ ઢોર માર મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને ઇસમનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
તેનના ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર આવતા હોવાની વાતથી રહીશો રાત્રિ ફેરી ફરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ચોર ટોળકીએ રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ કરી સ્થાનિકો પર પથ્થરમારો પણ કર્યો હતો. ચોરની બૂમ વચ્ચે ચાણક્યપુરી અને આજુબાજુની સોસાયટીના રહીશો રાત્રિ ફેરી ફરી ચોરો સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી વિસ્તારમાં સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીની પાછળ ચાર અજાણ્યા શખ્સ નજરે પડ્યા હતા.
સ્થાનિકોએ આ ચાર શંકાસ્પદ ઈસમોને પકડી ચોર સમજીને ઢોર માર માર્યો હતો. જો કે, આ બંને ઈસમ ચોર છે કે કેમ તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી. તેમ છતાં બંને ટોળાનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ચારેય ઇસમોનો કબજો મેળવ્યો હતો. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે તમામ ઈસમોની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ચારેય યુવકે માછલી પકડવા આવ્યા હોવાનો ખુલાસો પોલીસ સમક્ષ કર્યો હતો. મોબલિંચિંગ જેવી ઘટનાએ આકાર લેતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ પણ વાયરલ થાય છે
ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરની બૂમો પડી રહી છે ત્યારે લોકો પોતાની સલામતી માટે રાત્રિ ફેરી ફરી રહ્યા છે. જો કે, કેટલાક આગેવાનો રોજેરોજ ‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફોટો સાથે શેર કરતા હોય, તેના કારણે વિસ્તારનું વાતાવરણ ગરમાય છે. જેનો ભોગ શંકાસ્પદ ઈસમો બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે મોબલિંચિંગ જેવી ઘટના માટે જવાબદાર કોણ?
ટોળાનો ભોગ બનનારા ઈસમો
ઈશ્વર પુને પવાર, રવિ દાસુ ગામીત, ચીમન શિવરામ પવાર, ગુલાબ જીવણ પવાર (તમામ રહે., સિવિલ કોર્ટની સામે ખાડામાં, બારડોલી)