બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકા અને પોલીસ (Police) વિભાગ દ્વારા ટ્રાફિક (Traffic) નિયંત્રણ માટે રિક્ષા (Auto) ફેરવી વાહનચાલકોને પીળા પટ્ટામાં વાહન પાર્ક કરવા અને દુકાનદારોને દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી રહી છે. પરંતુ શહેરના મુખ્યમાર્ગો પર ક્યાંય પીળા પટ્ટા જ દેખાતા ન હોય વાહનચાલકોએ પાર્કિંગ ક્યાં કરવું તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આવશ્યક સુવિધા ઊભી કરવા પહેલા જ પાલિકાએ જાહેરાત કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જેને લઈને લોકો પણ રમુજ કરતાં નજરે પડી રહ્યા છે.
બારડોલીના મુખ્ય માર્ગો પર નગરપાલિકા દ્વારા વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોય વર્ષોથી ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. વાહન પાર્કિંગની જગ્યા જ ન હોવાથી ખરીદી માટે આવતા વાહનચાલકો રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી જતાં હોય છે. હાલ ડિસેમ્બર મહિનો ચાલતો હોય NRI પણ મોટી સંખ્યામાં બારડોલીમાં ઊમટી પડ્યા છે. તેઓ ખરીદી કરવા આવતા હોય ટ્રાફિકની સમસ્યામાં ઓર વધારો થયો છે. ત્યારે નગરપાલિકા અને પોલીસ વિભાગે રિક્ષા ફેરવીને લોકોને સૂચના આપવાની શરૂઆત કરી છે. જેમાં લોકોને પીળા પટ્ટાની અંદર વાહનો પાર્ક કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત દુકાનદારોને પણ દબાણ હટાવી લેવા જણાવવામાં આવ્યું છે. જો તેમ ન કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવાની પણ ચીમકી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. બીજી તરફ બારડોલીના મુખ્ય રસ્તાઓ પર પીળા પટ્ટાનો અભાવ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ પીળા પટ્ટા નજરે પડતા નથી, ત્યારે વાહનચાલકોએ પોતાનાં વાહનો ક્યાં પાર્ક કરવા તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા પહેલા પીળા પટ્ટા અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે તો વાહનચાલકો અને રાહદારીઓને ખ્યાલ આવી શકે. કોઈ પણ સુવિધા ઊભી કર્યા વગર લોકોને સૂચના આપવા નીકળેલા તંત્ર અંગે લોકો ભારે રમૂજ કરી રહ્યા છે.