બારડોલી: બારડોલીના (Bardoli) શાસ્ત્રી રોડ (Shastri Road ) ઉપર મોડી સાંજે સમયે પોતાની મોપેડ ઉપર સવાર થઈ સરભોણ મુકામે પોતાના ઘરે જઇ રહેલા દંપતીના વાહનને આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર (Gold mangalsutr) તોડી મોઢે બુકાની બાંધી આવેલા બાઈકસવાર (Biker) તસ્કરો ભાગી છૂટ્યા હતા.બારડોલી તાલુકાના સરભોણ ગામે આવેલા બાલમંદિર ફળિયામાં રહેતા રશ્મિકાંત ટેલર તથા તેમનાં પત્ની જયશ્રીબેન તેમના મોપેડ ઉપર ઓલપાડના સાયણ મુકામે કામકાજ પતાવી સાંજના સમયે બારડોલી મુકામે શાસ્ત્રી રોડ ઉપર આવેલા કોળીવાડમાં રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. મોડી સાંજના 7.15 વાગ્યે દંપતી બારડોલીના શાસ્ત્રી રોડ માર્ગે સરભોણ ગામે જવા નીકળ્યું હતું.
સોનાનું મંગળસૂત્ર તોડી તસ્કરો ભાગી છૂટ્યા હતા
તેવા સમયે શાસ્ત્રી રોડ ઉપર આવેલા માણિભદ્ર એપાર્ટમેન્ટથી સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ વચ્ચે પાછળથી પૂરઝડપે આવેલા અને મોં ઉપર બુકાની બાંધી હોવાનું જણાતા બે બાઈકસવાર તસ્કરો જયશ્રીબેનના ગળામાંથી આશરે સવા તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર તોડી તસ્કરો ભાગી છૂટ્યા હતા. બૂમાબૂમ કરવા સાથે તસ્કરોનો પીછો કરવા છતાં તસ્કરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.ચીલઝડપનો ભોગ બનનાર દંપતીએ બારડોલી પોલીસમથકનો સંપર્ક કરતાં બારડોલી ટાઉન પોલીસે વિવિધ સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરવા સાથે શોધખોળની તજવીજો શરૂ કરી હોવાનું જાણવા મળે છે. લાંબા સમય બાદ ફરી એકવાર બારડોલી નગરમાં ચેઇન સ્નેચરોએ ઘટનાને આપેલા એક નવા અંજામના કારણે બારડોલી ટાઉન પોલીસમથકમાં ઓછા મહેકમ અને વધુ પડતી કામગીરીના ભારણને કારણે ગુનાખોરીને અંકુશમાં રાખવાની બાબત પોલીસ માટે પડકાર જણાઈ રહી છે.