બારડોલી : બારડોલીમાં (Bardoli) ગણેશ વિસર્જન (Ganesh Visarjan) યાત્રામાં બોલાચાલી બાદ બે યુવકોની વચ્ચે મારામારી થતાં ભાગદોડ મચી ગઈ હતી. રેલવે સ્ટેશન (Railway Station) ત્રણ રસ્તા નજીક બે મંડળો વચ્ચે કોઈ કારણસર થયેલી મારામારીમાં એક યુવાનનું માથું ફૂટ્યું હતું. જોકે પોલીસ (Police) તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
બારડોલીમાં શુક્રવારે બપોરના સમયે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી. રેલવે સ્ટેશન ત્રણ રસ્તા નજીકથી વિસર્જન યાત્રામાં પોતપોતાનો ક્રમ મેળવીને અનેક ગણેશ મંડળો યાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન બપોરના સમયે બે ગણેશ મંડળના કેટલાક યુવાનો વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. પ્રથમ શાબ્દિક બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મારામારીની ઘટનામાં એક યુવકનું માથું પણ ફૂટ્યું હોવાનું અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. શેના માટે આ બબાલ શરૂ થઈ એ મામલે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તો બીજી તરફ પોલીસે વીડિયોને આધારે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કર્યા બાદ વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉમરગામના બોરીગામમાં જમીનના પૈસા બાબતે ચાર શખ્સોએ પરિવારને ફટકાર્યો
ઉમરગામ : ઉમરગામના બોરીગામમાં ઘરે આવી જમીનના પૈસા બાબતે ઝઘડો તકરાર કરી માર માર્યાની ચાર જણા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામના બોરીગામ ભગત ફળિયામાં રહેતા ફરિયાદી મીનાબેન ચંદુભાઈ ધોડીએ ફરિયાદ નોંધાવી છે કે શુક્રવારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ધર્મેશ (રહે ડુંગરા વાપી), દિલીપ, જતીન અશોક પટેલ (રહે નાની સુલવડ ખનકી ફળિયા વાપી) અને હિરેન ગણેશ ઘોડી (રહે બોરીગામ ભગત ફળિયા)એ ઘરે આવી તેણીના પતિ ચંદુભાઈ ધોડી સાથે જમીનના મળેલા રૂપિયા બાબતે બોલાચાલી ઝઘડો તકરાર કરી લાકડીથી માર મારી પગના ઘુંટણના ભાગે જમણા હથેળીના ભાગે ઈજા પહોંચાડતા ફેક્ચર થયુ હતુ. ઉપરાંત દીકરી સોનલને તથા ભાઈ-ભાભીને પણ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.