બારડોલી: બારડોલીના (Bardoli) શિવાજી ચોક નજીક આવેલા પેટ્રોલપંપના (Petrol Pump) માલિકને ધરમ કરતાં ધાડ પડી જેવો ઘાટ થયો હતો. અજાણ્યા શખ્સે પેટ્રોલપંપ પર આવી આંગડિયા (Angadiya) તરીકે ઓળખ આપી હતી અને માલિક પાસે પરચૂરણ નોટના બદલામાં 500 અને 2000ની નોટનું બંડલ માંગ્યું હતું. માલિકે 500ની નોટનું પચાસ હજાર રૂપિયાનું બંડલ આપતા અજાણ્યો શખ્સ (Unknown person) પરચૂરણ નોટ લેવા માટે કર્મચારીને સાથે લઈ ગયો હતો અને થોડે દૂર જઈ એક દુકાનદારનું નામ આપી તેની પાસેથી પૈસા લેવાનું કહી બંડલ લઈને નાસી છૂટ્યો હતો. જે નામ આપ્યું હતું તે નામનો દુકાનદાર જ ત્યાં ન હોય કર્મચારી અને માલિકને પોતે છેતરાયા હોવાનું લાગતાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
તેણે પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે,“હું આંગડિયાનું કામ કરું છું
બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં રહેતા ક્રિશાલ મનીષ પટેલ બારડોલી–કડોદ રોડ પર શિવાજી ચોક પાસે ઇન્ડિયન ઓઇલ કંપનીનો આકાર પેટ્રોલિયમ નામથી પેટ્રોલ પંપ ચલાવે છે. ગત તા.29 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યે 30થી 35 વર્ષનો એક શખ્સ પેટ્રોલ પંપ પર આવ્યો હતો અને ક્રિશાલ સાથે વાત કરવા લાગ્યો હતો. વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, “તમારા પંપની પાસે આવેલી લોટસ મોલમાં બ્રાન્ડવાળા કાપડની દુકાન મારી છે અને હું રાજુભાઈને ઓળખું છું.” એમ કહી ક્રિશાલને મીઠાઇનું બોક્સ આપ્યું હતું અને આ બોક્સ તેના કાકા નગરપાલિકાના માજી કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ મનુભાઈ પટેલને આપવા જણાવ્યું હતું. તેણે રાજેશભાઈનો મોબાઇલ નંબર પણ લીધો હતો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે, “હું આંગડિયાનું કામ કરું છું અને મારી પાસે દોઢ લાખ રૂપિયાની પરચૂરણ ઓટ છે, જે લઈ મને 500 અથવા 2000ના દરની નોટો આપો” આવું કહેતાં પહેલા તો કૃશાલે ના પાડી હતી.
અજાણ્યો ઈસમ સ્થળ પરથી નાસી છૂટ્યો
બાદમાં પચાસ હજાર રૂપિયાની નોટ કરી આપવાનું જણાવતાં કૃશાલે હા પડી તેની પાસેથી પરચૂરણ માંગ્યું હતું. પરંતુ અજાણ્યા ઇસમે બાજુમાં લોટસ મોલમાં આવેલી બ્રાન્ડવાલા નામની શોપ પરથી રૂપિયા આપું છું. મારી સાથે તમારો માણસો મોકલો એમ કહેતાં પેટ્રોલ પંપનો એક કર્મચારી આકાશ પાથરકર તેની સાથે ગયો હતો. કર્મચારીને તે બ્રાન્ડવાલા દુકાનમાં લઈ ગયા બાદ ત્યાંથી ભાજપ કાર્યાલયની સામે આવેલ મુથુટ ફાયનાન્સની ઓફિસ પાસે લઈ ગયો હતો. ત્યાં કર્મચારી પાસેથી 50 હજારનું બંડલ લઈ શોપિંગ સેન્ટરમાં પહેલા માળે અજિતભાઈ પાસેથી પરચૂરણ રૂપિયા લેવા જણાવ્યુ હતું. કર્મચારી પહેલા માળે જતાં ત્યાં અજિતભાઈ નામનો કોઈ ઈસમ ન હતો. નીચે આવીને જોતાં અજાણ્યો ઈસમ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે પંપ માલિકે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે