બારડોલી: બારડોલી (Bardoli)–કડોદ રોડ પર આવેલા પણદા ગામ (Panda Village )જાણે અકસ્માત વિસ્તાર બની ગયો હોય તેમ અકસ્માતની (Accident) વણજાર જોવા મળી રહી છે. રસ્તો પહોળો કરી ડિવાઇડર મૂકવા છતાં આ ગામની સીમમાં અકસ્માત અટકવાનું નામ જ નથી લેતા. તાજેતરમાં જ એક સિમેન્ટ ભરેલી ટ્રક રોડ પર પલટી મારતાં ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ત્યાં હવે વધુ એક ટેમ્પો પલટી મારી જતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. સોમવારે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ મોટરસાઇકલ ચાલક શેરડીના ખાલી બળદ ગાડા સાથે ટકરાઈને રોડ પર પડતાં મોટરસાઇકલ ચાલકને બચાવવા જતાં ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો. નસીબજોગ આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકને સામાન્ય ઇજા થઇ હતી.
ઓલપાડના ગોથાણ નજીક બાઇક સ્લિપ થતાં ઘવાયેલા આધેડનું મોત
દેલાડ: ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે અંજની રોડ નજીકના વળાંકમાં મો.સા. સ્લિપ થઈ જવાથી સર્જાયેલા અકસ્માતથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની દારાસિંહ શિવકરણસિંહ ચૌહાણ હાલમાં સુરત રહેતા હતા. ગત તા.૨૪ ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ ગોથાણ ગામની સીમમાંથી ગોથાણથી અંજની તરફના રોડ ઉપર મો.સા. હંકારી ઘરે જઈ રહ્યા હતા. એ સમયે મો.સા.ની સીટ પાછળ તેમની પત્ની પણ સવાર હતી. તેઓ રાત્રે ૯:૩૦ કલાકના સુમારે પૂરપાટ ઝડપે મો.સા. હંકારી રહ્યા હતા,
ઇજા થતાં સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો
ત્યારે અંજની રોડ ઉપરના પહેલાં વળાંક પાસે મો.સા.ની બ્રેક ન લાગતાં બાઈક સ્લિપ થઈ ગઈ હતી. જેથી પતિ-પત્ની મો.સા. સાથે રોડ ઉપર પટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ દારાસિંહને માથા, ગળા તથા છાતીના ભાગે ઇજા થતાં સુરત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ગત રવિવાર, તા.૬ના રોજ રાત્રે ૧૦ કલાકના સુમારે દારાસિંહ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે મૃતકના પુત્ર રાભવનસિંહે ચૌહાણે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.