બારડોલી: બારડોલીના (Bardoli) બાબેન ગામે અવધ લેક સિટીમાં પુત્રને ત્યાં રહેવા આવેલી છત્તીસગઢની મહિલાને ફોન (Call) કરી તમારું લાઇટ બિલ (Light bill) બાકી છે, જે એપ્લિકેશનથી ભરી દો એમ કહી રિમોટ એક્સેસ થઈ શકે તેવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અલગ અલગ ચાર વખત બેન્ક એકાઉન્ટમાંથી (Bank Account) 2,35,222 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ અંગે મહિલાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરતાં પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ બારડોલીના બાબેન ગામે આવેલ અવધ લેક પેલેસમાં પુત્રને ત્યાં રહેતાં ગીતાબેન પરસોત્તમભાઈ લીલાધર (સોની) (ઉં.વ.55) વર્ષોથી છત્તીસગઢમાં સ્થાયી થયાં છે. હાલ તેમને બીમારીની સારવાર ચાલતી હોય તેઓ પુત્રને ત્યાં રહે છે. દરમિયાન ગત 12મી એપ્રિલની સાંજે 6 વાગ્યે તેમના મોબાઇલ ફોન પર આકાશ શર્મા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને માર્ચ મહિનાનું ઘરનું લાઇટ બિલ રૂ.350 ભરવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. લાઇટ બિલ ભરવા માટે આકાશે સીપીડીસીએલ મોર બીજલી છત્તીસગઢ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન ભરી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી-2023નું બિલ રૂ.410 અપડેટ થયેલું ન હોય એની ડેસ્ક એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. પરંતુ તે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ન હતી. આથી આકાશ શર્માએ ફાસ્ટેગ કસ્ટમર સપોર્ટ નામની એપીકે ફાઇલ ડાઉનલોડ કરી તેમાં ઓનલાઈન બિલ ભરી દેવા માટે જણાવતાં ગીતાબેને તેના કહ્યા અનુસાર પ્રક્રિયા કરી લાઇટબિલ ભરી દીધું હતું અને ત્યારબાદ ફોન બંધ કરી તેઓ કામકાજમાં લાગી ગયા હતા. થોડીવાર બાદ ગીતાબેનને જાણવા મળ્યું કે ફ્લિપકાર્ટ ઇન્ટરનેટમાંથી રૂ. 71068, બજાજ ફાઇનાન્સમાંથી રૂ. 9690, ફ્લિપકાર્ટમાંથી રૂ.50 હજાર અને રૂ. 39999, મોબીક્વીકમાંથી રૂ.19751 અને ભીલાઈ ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કના ખાતામાંથી રૂ.44714 રૂપિયા મળી કુલ 2,35,222 રૂપિયા ઉપડી ગયા હતા. આ ઘટના અંગે ગીતાબેને તાત્કાલિક સાઇબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. આ અંગે બારડોલી ટાઉન પોલીસમાં ગુનો નોંધાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.