બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના મઢી (Madhi) ગામના વેપારીને સોસાયટીના જ યુવકને કારમાં (Car) લિફ્ટ આપવાનું ભારે પડ્યું હતું. યુવકે તેના બે સાગરીત સાથે મળી વેપારીને ચપ્પુ (Knife) બતાવી લૂંટ ચલાવી હતી. વેપારી ઝપાઝપી કરી કારમાંથી ઊતરી જતાં ત્રણેય કાર અને કારમાં રાખેલા 70 હજાર રોકડા ભરેલું પાકીટ મળી કુલ 2.20 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. પોલીસે (Police) ગણતરીના સમયમાં જ ત્રણેય શખ્સને ઝડપી પાડતી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મઢીના બાબુનગર ખાતે રહેતો સંજય અશોક મેડાની માંડવી ખાતે ઓટો પાર્ટસની (Auto Parts) દુકાન (Shop) ચલાવે છે. સોમવારે બપોરે સંજય પોતાની સ્વિફ્ટ કાર લઈ માંડવી જવા માટે નીકળ્યો હતો. એ સમયે તેના ફળિયામાં જ રહેતો અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો નૈલેશ ઉર્ફે નિલેષ ઉર્ફે ટીનીયો જગદેવસિંહ પરમાર અને તેના સ્ટુડિયોમાં કામ કરતો સુજિત રવિન્દ્ર કોંકણીએ માંડવી જવા માટે કારમાં લિફ્ટ માંગી હતી. આથી ફળિયાનો જ યુવક હોવાથી સંજયે બંનેને લિફ્ટ આપી હતી. દરમિયાન મઢીથી માંડવી તરફ જતી વખતે વાંસકુઇ ગામ પાસે સુજીતે સંજયના ગળા પર ચપ્પુ મૂકી તેને ડ્રાઇવિંગ સીટ પરથી ખસેડી નૈલેશ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો હતો. તેમની સાથેનો ત્રીજો શખ્સ મયૂર હિંમત તડવી પણ મોટરસાઇકલ પર કારનો પીછો કરતો હતો. બાલ્દા ગામ સુધી લઈ જઈ રસ્તામાં સંજયે છૂટવા માટે ઝપાઝપી કરતાં સુજીતે મોં દબાવી તેને ચપ્પુ મારી દેતાં બંને હાથમાં ઇજા થઈ હતી. ઝપાઝપી દરમિયાન કાર ઊભેલી હોવાથી સંજય કારમાંથી નીચે ઊતરી ગયો હતો અને બંને યુવક કાર અને કારની અંદર મૂકેલા રૂ.70 હજાર ભરેલું પાકીટ મળી કુલ 2.20 લાખની લૂંટ કરી રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સંજયના પરિવારજનોએ સ્થળ પર પહોંચી તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. દરમિયાન બારડોલી ગ્રામ્ય પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે નૈલેશ અને સુજિતને રાયમ પાસેથી કાર અને રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે કારનો પીછો કરી મદદગારી કરનાર ત્રીજા યુવક મયૂરની રાજપીપળાથી ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય સામે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.