National

બારાબંકીમાં દોડતી બસ પર અચાનક ઝાડ પડતાં મોટો અકસ્માત, 4 શિક્ષકો સહિત 5ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આજ રોજ તા.8 ઓગસ્ટ શુક્રવારના રોજ સવારના ભારે વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત બન્યો હતો. હૈદરગઢ જતી ઉત્તર પ્રદેશ રોડવેઝની બસ પર અચાનક વડનું ઝાડ પડ્યું હતું, જેના કારણે ચાર શિક્ષકો સહિત પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું અને 17 જેટલા મુસાફરો ઘાયલ થયા. આ ઘાયલ થયેલા મુસાફરોમાં કેટલાકને જિલ્લા હોસ્પિટલમાં, જ્યારે કેટલાકને સત્રિખના આરોગ્ય કેન્દ્ર (CHC)માં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના તે સમયે બની જ્યારે હૈદરગઢ જતી બસ ભારે વરસાદમાં આગળ વધી રહી હતી અને અચાનક રસ્તા બાજુનું વડનું ઝાડ બસના આગળના ભાગ પર ધસી પડ્યું હતું. જેથી બસમાં આગળ બેઠેલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, આ મૃતકોમાં ચાર શિક્ષકો છે, જેઓ હૈદરગઢમાં યોજાયેલી શિક્ષણ વિભાગની NCERT સંબંધિત તાલીમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ ચારેય શિક્ષકો બસના આગળના ભાગમાં બેઠા હતા.

જોકે હાલ ફક્ત એક જ વ્યક્તિની ઓળખ થઈ છે, જેમાં શહેરના ગુલહરિયા ગારડાની રહેવાસી શિક્ષા મલ્હોત્રાનો સમાવેશ થાય છે. પોલીસ બાકીના મૃતકોની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. અકસ્માતમાં ઘાયલ 17 જેટલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

અકસ્માત બાદ બસમાં હાહાકાર મચી ગયો હતો. ભારે વરસાદ વચ્ચે વન વિભાગ, પોલીસ અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ઝાડને કાપીને અલગ કરવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

બચાવ દરમિયાન બસના ડ્રાઈવર અને ત્રણ અન્ય મુસાફરોના મૃતદેહ આગળના ભાગમાંથી મળ્યા, તેમજ પાછળના ભાગમાં ફસાયેલા મુસાફરોને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ મુજબ, ભારે વરસાદ અને વૃક્ષની નબળી હાલત અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top