Gujarat

વડાપ્રધાન બુધવારે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું આવતીકાલ તારીખ 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ પણ ઉપસ્થિત હશે. આવતીકાલે 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાની મથકે આવી પહોંચશે, ત્યાંથી જ સીધા સાંજે 5:30 વાગે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ સ્થળ સરદાર પટેલ રિંગ રોડ ખાતે ઊભા કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે આવી પહોંચશે. જ્યાં શાનદાર ઉદ્ઘાટન સમારંભ થશે.

અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર 600 એકરની વિશાળ ભૂમિમાં તૈયાર કરવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં ૩૦ દિવસ સુધી વિવિધ આધ્યાત્મિક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાશે. પ્રમુખસ્વામી નગરમાં 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. આ નગરમાં મનોરંજક, જ્ઞાનવર્ધક, બાળનગરી, જ્યાં રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, સહિતના અનેક આકર્ષણો ઊભા કરાયા છે. 30 દિવસના મહોત્સવમાં વિવિધ સભા મંડપો ઉભા કરાયા છે. જેમાં આધ્યાત્મિક પ્રવચનો, સેમિનારો, પરિષદો, પ્રોફેશનલ સંમેલનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

15મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ કરશે. 20 મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિન નિમિતે તમામ ધર્મના વડાઓ એકત્રિત થઈ આધ્યાત્મિક વક્તવ્ય આપશે. 21 અને 22ના રોજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ઉત્કર્ષ અંગેના કાર્યક્રમો તેમજ તે અંગેની ચર્ચા વિચારણા સામાજિક અગ્રણીઓ સાથે ભેગા મળીને કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

25મી ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન યોજાશે. જેમાં દેશ વિદેશના સંતો, મહંતો હાજરી આપશે. 31મી ડિસેમ્બરે ભારતની સંસ્કૃતિઓના કુલપતિઓ વિદ્વાનો, વિશેષજ્ઞ દ્વારા પરિસંવાદ યોજાશે. 3 થી 4 જાન્યુઆરીએ બાળ યુવા સંમેલનો યોજાશે. જેમાં દેશ અને દુનિયાના બાળકો યુવાનોને આકર્ષતી અનેક કૃતિઓ રજૂ કરાશે. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ યોજાશે. જેમાં મહિલાઓની સમસ્યા સંદર્ભે તેના ઉકેલ, તેમજ મહિલાઓના ઉત્થાન માટે ચર્ચા વિચારણા સાથે પરીસંવાદ યોજાશે. 6 થી 11 જાન્યુઆરીએ દુનિયાના દેશોના પ્રતિનિધિઓ, રાજનેતાઓ, રાજદુતો વગેરેની ઉપસ્થિતિમાં વૈશ્વિક ચર્ચા વિચારણા કરાશે. જ્યારે 15મી જાન્યુઆરીના રોજ આ મહોત્સવની ભવ્યાતી ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવશે.

Most Popular

To Top