દરેકને સગવડો ભોગવવી છે, દરેકને સુવિધાઓ જોઈએ છે પરંતુ જે આર્થિક રીતે સદ્ધર નથી તેઓ લોન લઈને સુવિધાઓ ઊભી કરે છે. ભૌતિક વસ્તુઓ લે છે. આમ તો વડીલો એવું કહેતા હતા કે લોન ને પાછળી વાંચો તો ન લો એવું થાય. એટલે કે લોન લેવી જ નહીં જોઈએ. પરંતુ આજના સમયમાં એટલી સરળતાથી લોન મળી જાય છે કે લોકો લોન લેવા લલચાય જાય છે અને સરવાળે વ્યાજ ભરીને દેવાળું ફુંકવાની નોબત આવે છે.
જેટલા લોકો લોન લે છે તે તમામની આવી સ્થિતિ થતી નથી પરંતુ ધંધો કરવા માટે લોન લેવી અને ભૌતિક વસ્તુઓ માટે લોન લેવીમાં ઘણો ફરક છે. જે આ ફરક સમજે છે તે આર્થિક સ્થિરતા જાળવી શકે છે. જ્યારે અન્યો માટે આર્થિક સંકટ રાહ જ જોતું હોય છે. બેંકો, ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ તેમજ ખાનગી શરાફો દ્વારા લોન આપવામાં આવે છે. લોન ઘર પર, ઓફિસ પર, વાહનો પર કે પછી જાતજામીન પર પણ આપવામાં આવે છે. લોન લેવા માટે પણ લાઈનો લાગે છે. તેનો પુરાવો તાજેતરમાં જ ઓનલાઈન શોપિંગના આંકડાઓ પરથી આવ્યો છે.
હાલમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફેસ્ટિવલ સિઝન સેલ ચાલી રહ્યા છે. જેને કારણે ગ્રાહકો તૂટી પડ્યા છે. ગ્રાહકો દ્વારા રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી રહી છે. એક જ સપ્તાહમાં 55 હજાર કરોડનું શોપિંગ કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં અધધધ… કહી શકાય તે રીતે 26 ટકા વધારે છે. દિવાળી સુધીમાં તેનો આંકડો એક લાખ કરોડ પર પહોંચી જાય તેમ છે. ઓનલાઈનમાં મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હોમ અને સામાન્ય વેપારી વસ્તુઓનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો છે.
તેમાં પણ સૌથી વધુ મોબાઈલ અને ઈલેકટ્રોનિક આઈટેમોની ખરીદી ઓનલાઈન કરવામાં આવી રહી છે. તેમાં પણ ભારે ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહેલા 30 હજારની આસપાસના મોબાઈલ ફોનના વેચાણે નવા જ રેકોર્ડ તોડ્યા છે. આ તો વેચાણના આંકડા છે પરંતુ વાંચીને નવાઈ લાગશે કે તેમાં અડધી જેટલી ખરીદીઓ ઈએમઆઈ એટલે કે લોન પર કરવામાં આવી છે. જે બતાવે છે કે ગ્રાહકો પોતાની આર્થિક તાકાત કરતાં વધારે ખરીદી કરી રહ્યા છે. જે જોખમની નિશાની છે. આજે સરેરાશ વ્યક્તિ સ્માર્ટ ફોન વાપરવા ઈચ્છે છે. તેમાં પણ જેનો માસિક પગાર 10 હજાર જ હોય તે પણ 30 હજારનો સ્માર્ટ ફોન વાપરવાની ઈચ્છા ધરાવે છે. જે રિસ્ક ફેક્ટર છે.
ગત વર્ષે પણ ઓનલાઈન ખરીદીનો આંકડો 81 હજાર કરોડનો હતો. જે તેના અગાઉના વર્ષની સરખામણીમાં 19 ટકા વધારે હતો. આ વખતે દિવાળી સુધીમાં આ વધારો 23 ટકા સુધી પહોંચવાની ધારણા છે. તેમાં પણ અડધા કરતાં પણ વધારે ખરીદી ઈએમઆઈ પર થશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આની પાછળ બેંકોની નફાકારક વૃત્તિ પણ જવાબદાર છે. બેંકો દ્વારા આડેધડ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઓનલાઈન શોપિંગમાં ક્રેડિટ કાર્ડ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. ડિસ્કાઉન્ટને કારણે લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ઈએમઆઈ થકી આડેધડ ખરીદીઓ કરી રહ્યા છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓફરો આપવામાં આવે પરંતુ ગ્રાહકોએ તેમાં સમજીને ખરીદી કરવાની જરૂરીયાત છે.
હાલમાં જ એવું જોવામાં આવી રહ્યું છે કે આ રીતે ઈએમઆઈ પર ખરીદીઓ કર્યા બાદ આર્થિક સંકટ ઊભું થતાં પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવો પડી રહ્યો છે. માત્ર ઈ-કોમર્સ પ્લેટફોર્મ જ નહીં પરંતુ જે કોઈ ખરીદી ઈએમઆઈ પર કરવામાં આવે તેમાં ખુબ જ સાવચેતી જરૂરી છે. આવકના પ્રમાણમાં ખરીદી કરવી અને તેમાં પણ ઈએમઆઈ કેટલો રાખવો તે આવકના પ્રમાણમાં નક્કી કરવો જરૂરી છે. બેંકોએ પણ તેની સમીક્ષા કરવી જરૂરી છે. જો આ રીતે આડેધડ ખરીદીઓ ચાલુ રહેશે તો બેંકોમાં એનપીએ વધતા વાર નહીં લાગે તે ચોક્કસ છે.