ઢાકા: બાંગ્લાદેશનાં (Bangladesh) વડાંપ્રધાન (PM) શેખ હસીનાએ રવિવારે ભારતને (India) ‘વિશ્વાસુ મિત્ર’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમના દેશના નાગરિકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે સરળ બનાવવા માટે બંને દેશો વચ્ચે ‘લાંબા સમયથી ચાલતા’ જળ-વહેંચણી વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. 74 વર્ષીય નેતા 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવવાનાં છે, જે દરમિયાન તે નવા શપથ લેનાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર સાથે મુલાકાત કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે.
- ભારતની મુલાકાતે આવતા પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાને રોહિંગ્યાના મુદ્દે હાથ ઉંચા કરી દીધા
- બાંગ્લાદેશના વડાપ્રધાન આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે
ઓક્ટોબર 2019માં કોરોનાવાયરસ રોગચાળા પહેલાં તેણીએ છેલ્લે ભારતની મુલાકાત લીધી હતી.
શેખ હસીનાએ કહ્યું હતું કે, “અમે ડાઉનસ્ટ્રીમમાં છીએ, પાણી ભારતમાંથી આવી રહ્યું છે. તેથી ભારતે વધુ ઉદારતા દાખવવી જોઈએ. બંને દેશો લાભાર્થી હશે. કેટલીકવાર આપણા લોકો આના કારણે ખાસ કરીને તિસ્તા નદીને ખૂબ જ સહન કરે છે. અમને જાણવા મળ્યું કે પીએમ (નરેન્દ્ર મોદી) આના ઉકેલ માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ સમસ્યા તમારા દેશમાં છે. અમે ફક્ત ગંગાનું પાણી વહેંચીએ છીએ, પરંતુ અમારી પાસે અન્ય 54 નદીઓ છે. તે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવો જોઈએ.”
તેણીએ ભારતના વેક્સિન મૈત્રી કાર્યક્રમ માટે પીએમ મોદીનો પણ આભાર માન્યો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં અટવાયેલા બાંગ્લાદેશના નાગરિકોને બહાર કાઢવામાં ભારતની ભૂમિકાને ‘મૈત્રીપૂર્ણ વ્યવહાર’ ગણાવ્યો હતો.
શેખ હસીનાએ બંને દેશો વચ્ચેના દાયકાઓથી ચાલતા સંબંધોની પણ પ્રશંસા કરી હતી. શેખ હસીનાએ કહ્યું હતું કે, ”1975માં પણ, જ્યારે મેં મારા પરિવારના તમામ સભ્યો ગુમાવ્યા હતા, ત્યારે તત્કાલીન ભારતીય વડા પ્રધાને અમને ભારતમાં આશ્રય આપ્યો હતો.”