બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મોત બાદ ભડકેલી હિંસા પર નિરાશ્રિત બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. નસરીને હાદીને જેહાદી ગણાવતા બાંગ્લાદેશના જેહાદીસ્તાનમાં ફેરવાય જવાની વાત કહી છે. નસરીન પ્રમાણે, બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે, તે સામાન્ય નથી. કટ્ટરપંથી આખા દેશને સળગાવામાં લાગેલા છે. નસરીને પોતાના સોશયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે કે એક જેહાદીના મોત પર હજારો જેહાદી આખા બાંગ્લાદેશમાં ઉપદ્રવ મચાવી રહ્યા છે. જે મળી રહ્યું છે, તેની તોડફોડ કરી રહ્યા છે. આગચંપી કરી રહ્યા છે. સૌને રાખ બનાવી રહ્યા છે.
નસરીને આગળ લખ્યું છે કે હિંદુ યુવક દીપૂચંદ્ર દાસ એક જેહાદીના કારણે વૃક્ષ પર લટકાવીને સળગાવી દેવામાં આવ્યો, પરંતુ કોઈના હાથ કંપ્યા નહીં. કોઈને દુખ નથી. બધાં નારા લગાવી રહ્યા છે- નારા એ તકબીર અલ્લાહ ઓ અકબર. આ જેહાદીસ્તાનનો અસલી ચહેરો છે. ઉસ્માન હાદી ઇન્કલાબ મંચનો પ્રવક્તા હતો. બાંગ્લાદેશમાં જુલાઈ 2024ની બબાલમાં હાદીની મહત્વની ભૂમિકા હતી.
આ બબાલને કારણે શેખ હસીનાની સત્તા જતી રહી. હાદી આગામી ચૂંટણીમાં ઢાકા-8 થી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. તેની બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન 2 યુવકોએ તેને 7 દિવસ પહેલા ગોળી મારી હતી. બાંગ્લાદેશની સરકાર તરફથી ઢાકા અને સિંગાપુરમાં તેની સારવાર કરાવાઈ, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. ગુરુવારે હાદીની હત્યાબાદ ઢાકા અને ચટગાંવ સહીત દેશના ઘણાં વિસ્તારોમાં હિંસક ઘટનાઓ જોવા મળી.
ગુસ્સે ભરાયેલી ભીડે ઢાકામાં જ્યાં 2 મીડિયા હાઉસના કાર્યાલયો ફૂંકી માર્યા. તો ચટગાંવમાં ભારતના સહાયક દૂતાવાસ પર પણ હુમલો કરાયો. આ હિંસાથી રાજકીય પક્ષોએ ખુદને અલગ કરી લીધા છે. હાદી જે સંગઠન માટે કામ કરી રહ્યો હતો, તેનું કહેવું છે કે ઉપદ્રવી કોણ છે, તેની તેમને ખબર નથી. તો જમાત અને બીએનપી જેવી પાર્ટીઓએ પણ હિંસાથી પોતે દૂર હોવાનું જણાવી રહી છે. ઢાકા અને ચટગાંવના મોટાભાગના વિસ્તારોને સેનાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે.
જ્યાં સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શેખ હસીના હતા ત્યાં સુધી આ દેશમાં લોકશાહી જીવંત હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 5માંથી બે કેસમાં (હત્યા માટે ઉશ્કેરણી કરવા અને હત્યાનો આદેશ આપવા બદલ) મોતની સજા આપી. ત્યાં જ, બાકીના કેસોમાં તેમને ઉમરકેદની સજા સંભળાવી છે ટ્રિબ્યુનલે શેખ હસીનાને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા. ત્યાં જ બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા સંભળાવી હતી.
ત્રીજા આરોપી પૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ-મમૂનને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. મમૂન હિરાસતમાં છે અને સરકારી ગવાહ બની ચૂક્યા છે. કોર્ટે હસીના અને અસદુજ્જમાન કમાલની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. યુનુસ સરકારે હસીનાને ફાંસીની સજા પછી ભારત સરકારને અપીલ કરી છે કે શેખ હસીનાને તેમને સોંપી દેવામાં આવે. સરકારનું કહેવું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે પ્રત્યાર્પણ સંધિ છે, તેના મુજબ આ ભારતની જવાબદારી બને છે કે તે પૂર્વ બાંગ્લાદેશી વડાપ્રધાનને બાંગ્લાદેશના હવાલે કરે.
બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારે હિંસા શરૂ થઈ ગઈ છે. અપક્ષ ઉમેદવાર ઉસ્માન હાદીની હત્યા કરાતા અને હિન્દુ યુવકને માર મારીને સળગાવી દેવામાં આવતા દેશના અનેક વિસ્તારોમાં હિંસા, આગચંપી અને મોટાપાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અહીં દેખાવકારો મીડિયા હાઉસ, સરકારી ઓફિસો, નેતાઓના નિવાસસ્થાનો સહિતના સ્થળો પર હુમલાઓ કરી આગ ચાંપી રહ્યા છે.
ભયાનક હિંસાઓ શરૂ થયા બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંગમાં એક હિન્દુ વ્યક્તિની ભીડ દ્વારા હત્યાની ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. સરકાર વતી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે આ જઘન્ય અપરાધના દોષિતોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
સત્તાવાળાઓએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અરાજકતા, આગજની અને સંપત્તિના નુકસાનનો સખત વિરોધ કરે, જેથી દેશમાં લોકશાહીના પરિવર્તનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે. જો કે મોહંમદ યુનુસની વાત કરીએ તો તે અત્યાર સુધીનાં દક્ષિણ એશિયાના દેશોના રહી ચૂકેલા મહિલા વડાપ્રધાન કરતાં પણ નબળા છે. તે પાકિસ્તાનની કઠપૂતળી છે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. આવા નબળા અને નમાલા નેતાના કારણે બાંગ્લાદેશની ચાવી ફરીથી પાકિસ્તાનના હાથમાં આવી જાય તો નવાઇ નહીં કારણ કે, મોહંમદ યુનુસનો બાંગ્લાદેશ પર કંટ્રોલ જ નથી. છેલ્લા એક વર્ષથી દેશ સળગી રહ્યો છે પરંતુ તેઓ હાથ પર હાથ મૂકીને બેઠા છે.