ઢાકા: બાંગ્લાદેશમાં (Bangladesh) સરકારી નોકરીઓમાં અનામત સામે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન (Protest) વધુ હિંસક બની રહ્યુ છે. ત્યારે વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે દેશવ્યાપી કર્ફ્યુ (Bangladesh Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ સાથે જ હિંસા પર કાબૂ મેળવવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે.
બાંગ્લાદેશમા ચાલી રહેલુ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે ગઇકાલે શુક્રવારે બાંગ્લાદેશના સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે કર્ફ્યુ અને લશ્કરી દળોની જમાવટની જાહેરાત કરી હતી કારણ કે પોલીસ દેશભરમાં પાછલા કેટલાંક દિવસોથી જીવલેણ પ્રદર્શનની રોકવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યારે હોસ્પિટલો દ્વારા જારી કરાયેલા અહેવાલોને ટાંકીને, એએફપીએ જણાવ્યું હતું કે આ અઠવાડીયે વિદ્યાર્થી વિરોધીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 105 લોકોના મોત થયા છે. આટલું જ નહીં, 15 વર્ષના કાર્યકાળ બાદ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર માટે આ પ્રદર્શન એક મોટો પડકાર બની ગયો છે.
હસીનાના પ્રેસ સેક્રેટરી નઈમુલ ઈસ્લામ ખાનના જણાવ્યા મુજબ, “સરકારે કર્ફ્યુ અને નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે સેનાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.” વાસ્તવમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. આ દરમિયાન હિંસા બાદ દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સૈન્ય દળોને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કર્ફ્યુ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
રાજધાની ઢાકામાં પોલીસે વિરોધ શરૂ થયા પછી પ્રથમ વખત વધુ હિંસા અટકાવવાના પ્રયાસરૂપે પ્રથમ દિવસે તમામ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવાનું કડક પગલું લીધુ હતું. ત્યારે પોલીસ પ્રમુખ હબીબુર રહેમાને જણાવ્યું હતું “અમે આજે ઢાકામાં તમામ રેલીઓ, સરઘસો અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવું જરૂરી હતું.’’ જો કે રેલીઓને નિષ્ફળ બનાવવાના હેતુથી ઇન્ટરનેટ બંધ હોવા છતાં, મેગાસિટીની આસપાસ 2 કરોડ લોકોની વિશાળ ભીડ એકઠી થઈ હતી.
શેખ હસીનાના રાજીનામાની માંગ
ઢાકામાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર સરવર તુષાર નામના પ્રદર્શનકારીને પોલીસની કાર્યવાહીમાં ઈજા થઈ હતી. ત્યારે તેમણે મીડિયાને કણાવ્યું હતું કે, ‘અમારો વિરોધ ચાલુ જ રહેશે.’ તેમજ પ્રદર્શનકારીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસનું કહેવું છે કે મધ્ય બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લામાં પોલીસ પર હુમલો થયો હતો અને કેદીઓને જેલમાંથી મુક્ત કરતા પહેલા પ્રદર્શનકારીઓએ જેલ પર હુમલો કર્યો અને જેલને આગચંપી કરી હતી.