ઇન્ટરનેટ, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ વધ્યા પછી કેટલાક દૂષણો મોટા પ્રમાણમાં ફેલાયા તેમાં ઓનલાઇન જુગાર રમાડતી ગેમ્સનો પણ સમાવેશ થાય છે. જાત જાતના નામ હેઠળ આજે ભારતમાં પણ અનેક મની બેઝ્ડ ગેમ્સ ચાલી રહી છે. લોકોને લલચામણી જાહેરાતો દ્વારા આ ગેમ્સની લત પાડવામાં આવે છે અને આ પૈસા આધારિત ઓનલાઇન રમતોની લતમાં સપડાયેલા લોકો ઘણા નાણા ગુમાવે તેવા બનાવો બને છે. આવી ગેમ્પ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માગ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી ઉઠતી રહી હતી પણ સરકાર તે સાંભળતી ન હતી. હવે મોડી મોડી પણ સરકાર જાગી છે. મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી, જેનો હેતુ ઝડપથી વિકસતા ડિજિટલ ગેમિંગ ક્ષેત્રને નિયંત્રિત કરવા અને ઓનલાઈન સટ્ટાબાજી પર રોક લગાવવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખરડો અમલમાં આવ્યા પછી તમામ પૈસા આધારિત ગેમિંગ વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ઓનલાઈન ગેમિંગ કાયદાની પ્રસ્તાવિત જોગવાઇઓની મળતી માહિતી મુજબ બેંકો અને નાણાકીય સંસ્થાઓને વાસ્તવિક નાણાકીય વ્યવહારોવાળા ઓનલાઈન ગેમ્સ માટે ભંડોળની પ્રક્રિયા અથવા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખરડામાં વાસ્તવિક નાણા આધારિત ગેમિંગને પ્રોત્સાહન આપતી જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધનો પણ પ્રસ્તાવ છે. આ ખરડામાં પ્રસ્તાવ છે કે નિર્ધારિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન મની ગેમિંગ સેવા આપતી કોઈપણ વ્યક્તિ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો સામનો કરી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેરાતો આપવામાં સામેલ લોકો માટે આ જોગવાઈઓમાં બે વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો પણ સમાવેશ થાય છે. ઓનલાઈન મની ગેમિંગ સંબંધિત ઉલ્લંઘન માટે વારંવાર ગુનાઓ માટે વધુ કડક જેલની સજા (3-5 વર્ષ) તેમજ દંડની જોગવાઈ છે. જો કે આ ખરડો કોઈપણ પ્રકારની હેરાનગતિ ટાળવા માટે ઓનલાઈન મની ગેમ રમતા કોઈપણ વ્યક્તિને ગુનેગાર બનાવતું નથી.
ગેમિંગ-કેન્દ્રિત વીસી ફર્મ લુમિકાઈના તાજેતરના અહેવાલ મુજબ, ભારતના ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ માટે રિયલ-મની ગેમિંગ સૌથી મોટો આવકનો સ્ત્રોત રહ્યો છે, જેણે નાણાકીય વર્ષ 2023-24માં 3.8 અબજ ડોલરની આવક ઉભી કરી હતી – જે વર્ષ-દર-વર્ષે 23% નો વધારો દર્શાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે કુલ આવકમાંથી ફક્ત રિયલ-મની ગેમિંગનો હિસ્સો 2.4 અબજ ડોલર હતો. જો કે, આ ગેમ્સથી નુકસાનની ઘટનાઓ અંગે જાહેર ચિંતાઓ વચ્ચે આ ક્ષેત્ર વધતી જતી તપાસ હેઠળ આવ્યું છે – જેમાં એવા કિસ્સાઓનો સમાવેશ થાય છે જ્યાં રમતોમાં મોટી રકમ ગુમાવ્યા પછી કેટલાકે આત્મ હત્યા કરી છે.
ઉદ્યોગના હિસ્સેદારો મોટાભાગે આ ઘટનાઓને માટે ઓફશોર સટ્ટાબાજી અને જુગાર એપ્લિકેશનોને દોષ આપે છે. જો કે લગભગ તમામ ઓનલાઇન મની બેઝ્ડ ગેમ્સ જોખમી છે અને તેની લત લાગી જાય તે તો ઘણી જ ખરાબ બાબત છે. એવુ નથી કે આવી ગેમો પર આ પ્રથમ વખત જ સકંજો કસવામાં આવ્યો છે. અગાઉ પણ આવી સમસ્યાને હાથ ધરવા નાના મોટા પ્રયાસો થયા જ છે. ઓક્ટોબર 2023 માં સરકારે આવા પ્લેટફોર્મ પર 28% GST લાદ્યો ત્યારથી ઓનલાઈન ગેમિંગ ચકાસણી હેઠળ છે.
નાણાકીય વર્ષ 25થી ઓનલાઈન ગેમ્સમાંથી જીત પર 30% કર લાદવામાં આવે છે, અને ઓફશોર ગેમિંગ ઓપરેટરોને ભારતીય કરવેરા હેઠળ લાવવામાં આવ્યા છે. જ્યારે સટ્ટાબાજી અને જુગાર બંધારણની રાજ્ય સૂચિ હેઠળ આવે છે, ત્યારે કેન્દ્રએ 2022 થી ફેબ્રુઆરી 2025 ની વચ્ચે ઓનલાઈન સટ્ટાબાજી અથવા જુગારમાં સામેલ 1,400 થી વધુ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સને પહેલાથી જ બ્લોક કરી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટર્સને ઓનલાઈન ગેમિંગમાં સામેલ નાણાકીય જોખમો પર અસ્વીકરણ પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ આવતી બાબતો અંગે પણ આ કાયદામાંથી માર્ગદર્શન મળી રહેશે એમ મનાય છે. મોડે મોડે પણ આવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકાઇ રહ્યો છે તે સારી બાબત છે.