કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) પંચાયત ચૂંટણીના (Election) દિવસે થયેલા મતદાનની (Voting) આજે મત ગણતરી થઈ રહી છે. આ માટે ચૂસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે એક ચોંકવનારી ઘટના ઘટી છે. પશ્ચિમ બંગાળના માલદાના સોવાનગર ગ્રામ પંચાયતમાં આજે મતગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે ચૂસ્ત બંદોબસ્ત અને પોલીસની હાજરીમાં એક વ્યકિત બેલેટ બોક્સ (Ballot box) લઈને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો જો કે પોલીસે તે વ્યકિતને પકડી પાડ્યો હતો. આનો વીડિયો પણ સામે આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં મતગણતરીના દિવસે તમામ જગ્યાઓ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
આ પહેલા ડાયમંડ હાર્બર વિસ્તારમાં ફકીર ચંદ કોલેજ સામે બોમ્બમારાની ઘટના ઘટી હતી. બીજેપીએ આ ઘટના પછી આરોપ લગાવ્યો હતો કે ટીએમસી મત ગણતરી કેન્દ્ર પર અમારા માણસોને જવા નથી દઈ રહી અને તેણે મતગણતરીના સ્થાને પોતાનો કબ્જો જમાવ્યો છે. આ ઉપરાંત હાવડામાં મત ગણતરીના એક કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો જેના કારણે સુરક્ષાકર્મીઓએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે જાણકારી આપી હતી કે આ તમામ લોકો જબરદસ્તીથી પરવાનગી વગર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશવા માગતા હતા.
મતદાન ક્યારે થયું?
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી માટે 8 જુલાઈએ કુલ 22 જિલ્લામાં મતદાન થયું હતું. આ મતદાનમાં ગ્રામ પંચાયતની 63 હજાર 229 બેઠકો, પંચાયત સમિતિની 9 હજાર 730 બેઠકો અને જિલ્લા પરિષદની 928 બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન ઘણા જિલ્લાઓમાં હિંસા, બૂથ કેપ્ચરિંગ અને હત્યાના ઘણાં કિસ્સા નોંધાયા હતા. જે બાદ ઘણી જગ્યાએ ચૂંટણી રદ કરવામાં આવી હતી અને પુનઃ મતદાન થયું હતું. પરિસ્થિતિને જોતા પુનઃચૂંટણીમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે મતગણતરીના દિવસે દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.