નવી દિલ્હી: એમપીની (MP) શિવરાજ સરકારે બાગેશ્વર બાબાને “Y” કેટેગરીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકારે દેશના અન્ય રાજ્યોની સરકારોને પણ એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના રાજ્યમાં આવે ત્યારે તેમને “Y” કેટેગરીની સુરક્ષા આપવામાં આવે. “Y” કેટેગરીની સુરક્ષા દેશમાં સુરક્ષાનું ત્રીજું સ્તર છે. બાબા બાગેશ્વરને આપવામાં આવેલી “Y” કેટેગરીની સુરક્ષામાં કુલ 11 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. સુરક્ષાની આ શ્રેણીમાં બે PSO પણ હશે. આ રક્ષણ એવા લોકોને આપવામાં આવે છે જેઓ જોખમમાં છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ અજાણ્યા લોકો દ્વારા હુમલાની ધમકી મળી છે. બાબા બાગેશ્વરને દેશભરમાં આયોજિત કાર્યક્રમોમાં ભારે જનમેદનીને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા આપવામાં આવી છે.
28મી મેના રોજ બાબા અમદાવાદની મુલાકાતે
હિન્દુનું રાષ્ટ્રના મિશન સાથે ગુજરાત આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વરના સુરત, અમદાવાદ, રાજકોટમાં દરબાર યોજનાર છે. અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં અને 28મી મેના રોજ સાંજે 5-00 વાગે ઝુંડાલ સર્કલ નજીક બાબાનો દરબાર યોજાશે.
ગુરુ વંદના મંચના અધ્યક્ષ ડી. જી. વણઝારાએ જણાવ્યું હતું કે, રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. બાબાજી હિન્દુ રાષ્ટ્રના વિચારો સાથે સુસંગત છે, કેમકે ધર્મ સત્તા રહિત હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરી શકાય નહીં. તેથી બાબાજીએ આહવાન કર્યું છે કે, ‘તમે મને સાથ આપો હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ’ આ આહવાનને ગુજરાતના સાધુ-સંતો મહાપુરુષોએ ઉપાડી લીધું છે, અને બાબા બાગેશ્વરની હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના જલ્દી ચરિતાર્થ થાય તે માટે ગુરુ વંદના મંચના હજારો સાધુ સંતો 28મી મેના રોજ સાંજે 5-00 વાગે ઝુંડાલ સર્કલ પાસે રાઘવ ફાર્મમાં યોજાનાર દરબારમાં ઉપસ્થિત રહી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સહકાર આપવાની જાહેરાત કરશે.
સુરતના એક ઉદ્યોગપતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેંટમાં આપવા માટે વિશેષ ચાંદીની ગદા બનાવડાવી
છેલ્લાં કેટલાંય સમયથી ચમત્કારો માટે ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યાં છે ત્યારે તેમના સ્વાગત માટે સુરતમાં (Surat) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરતના એક ઉદ્યોગપતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેંટમાં આપવા માટે વિશેષ ચાંદીની ગદા બનાવડાવી છે. સુરતના જ્વેલર્સ દ્વારા આ હેન્ડમેડ ગદા તૈયાર કરવામાં આવી છે, જેનું વજન 1161 ગ્રામ હોવાનું કહેવાય છે, જેની કિંમત અંદાજે 1.25 લાખ માનવામાં આવે છે.