SURAT

Video: કાપોદ્રામાં ભાજપના કાર્યકરોએ આપના નેતાની ગાડીના કાચ ફોડ્યા, કોર્પોરેટરના કપડા ફાડ્યા

સુરત: હાલમાં રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે સુરત(Surat)માં શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન આમ આદમી પાર્ટી(Aap) અને ભાજપ(BJP)નાં કાર્યકરો વચ્ચે બબાલ(Fight) થઇ હતી. ઘટનાના પગલે સ્કૂલ(School) બહાર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. બનાવના પગલે પોલીસ(Police) બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાણે પાડ્યો હતો. જો કે આ બબાલમાં ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીનાં કાર્યકરોને માર મારી ગાડીના કાચ તોડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

રજૂઆત કરતા પહેલા જ શરુ થઇ માથાકૂટ
સુરતનાં કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં આવેલ સુમન શાળામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને આપ પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. આ દરમિયાનમાં ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમને રજૂઆત કરવા માટે પહોચી ગયા હતા. પરંતુ તેઓ શાળામાં પહોચે તે પહેલા જ માથાકૂટ ચાલુ થઇ ગઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને શાળાની અંદર જાણે બંધક બનાવી દીધા હોય એ રીતે બેસાડી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. તેઓને ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. જેના પગલે હોબાળો મચી ગયો હતો. આ બાબતની જાણ થતા અપના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર તેમજ હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા.

કાર્યકરમાં હોબાળા થતા વિરોધ પક્ષનાં નેતા ધર્મેશ ભંડેરી શાળાએ પહોંચ્યા હતા. તે સમયે તેઓની ગાડી પર હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આપ પાર્ટીના કોર્પોરેટરનાં કપડા ભાવેશ ઇટાલીયા પર પણ હુમલો કરી કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી.

શાળા નજીક જ દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે રજૂઆત કરી હતી કે, આ શાળાની આસપાસ દારુ તેમજ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે ત્યારે દારૂડિયાઓ મસ્તી કરતા હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. છતાં પણ ભાજપના શાસકોને આ અડ્ડાઓ બંધ કરવામાં કોઈ રસ નથી. તેઓ માત્ર શાળા પ્રવેશોત્સવના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આપના મહિલા કોર્પોરેટરે વાલીઓ અને બાળકોની હાજરીમાં જ ગાળાગાળી કરી : કુમાર કાનાણી
ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાએ યોગ્ય રીતે રજૂઆત કરવાનું છોડીને ગાળા-ગાળી શરુ કરી દીધી હતી. તેમજ તેઓએ મારા માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. અમે આપ પાર્ટીને વિરોધ કે રજૂઆત કરવાની ના નથી પાડતા પરંતુ તેઓએ જે પ્રકારે રજૂઆત કરી તે પદ્ધતિ ખોટી છે. તેઓ જન પ્રતિનિધિ છે. શાળામાં વાલીઓ અને બાળકો સામે ગાળો બોલે તે યોગ્ય ન કહેવાય. તેઓએ દારૂ અને જુગારના અડ્ડા બાબતે રજુઆત જ કરવી હોય તો શિક્ષણ સમિતિની અંદર તેઓના પણ સભ્યો છે. ત્યાં કેમ તેઓ યોગ્ય રીતે રજૂઆત નથીકરતા. દારૂના અડ્ડા અને મટનની દુકાનો ચાલતી હોય તો સ્થાનિક પોલીસ કે મ્યુનિસિપલ કમિશનરને વાત કરો. તેઓનું વર્તન જનપ્રતિનિધિને છાજે તેવું ન હતું.

આપનાં કોર્પોરેટરનાં કપડા ફાડી નાખ્યા
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, પ્રવેશોત્સવમાં હોબાળાની જાણ થતા તેઓ શાળાએ પહોચ્યા હતા. ત્યારે તેઓની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટર ભાવેશ ઇટાલીયા પર હુમલો કરી તેએના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા.

પોલીસે મામલો થાણે પાડ્યો
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપ પાર્ટી દ્વારા અલગ-અલગ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે આ વખતે રજૂઆત કરતી વખતે આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતાં હોબાળો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચીને મામલો થાણે પાડ્યો હતો.

Most Popular

To Top