અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે અયોધ્યા (Ayodhya) પહોંચ્યા હતા. અહીં તેમણે રેલવે સ્ટેશન (Railway Station) અને એરપોર્ટનું (AirPort) ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય તેમણે 15 હજાર કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન (Opening) અને શિલાન્યાસ પણ કર્યું હતું. દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા દેશવાસીઓને 22 જાન્યુઆરીએ અમુક બાબતો ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.
આજે નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા હતાં. અહીં તેમણે 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં લોકોએ તેમના ઉપર ફૂલોની વર્ષા કરી હતી.ત્યાર બાદ તેમણે અયોધ્યા સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યાર બાદ મોદી એક દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા હતા તેમજ ગરીબ દલીતના ઘરે ચા પણ પીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે દેશવાસીઓને ખાસ અપીલો કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે 22 જાન્યઆરીના રોજ તમામ દેશવાસીઓ પોતાના ઘરને શણગારે તેમજ દરેક દેશવાસી પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવી રામલલાનું સ્વાગત કરે. તેમણે કહ્યું કે,” આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણાં જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ 140 કરોડ દેશવાસીઓ 22 જાન્યુઆરીનાં પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી અને દિવાળી ઊજવે તેવી હું અપીલ કરું છું.”
દેશ વાસીઓને ઘરેથી જ દર્શન કરવા કરી અપીલ
આ સાથે જ 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં પૂર્ણ થનારા ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઈને દેશભરના રામ ભક્તો ઉત્સાહિત છે. તેમજ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. દરમિયાન પીએમ મોદીએ દેશભરના રામ ભક્તોને 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવવાની અપીલ કરી છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે મારી વિનંતી છે કે એક વખત 22મી જાન્યુઆરીએ ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થઈ જાય પછી તમામ દેશ વાસીઓ તેમની અનુકૂળતા મુજબ 23મી તારીખ પછી અયોધ્યા આવે. 22મીએ અયોધ્યા ન આવો. આપણે ભક્તો ભગવાન રામજીને ક્યારેય મુશ્કેલી ન પહોંચાડી શકીએ. ભગવાન રામ આવી રહ્યા છે તો ચાલો આપણે પણ થોડા દિવસ રાહ જોઇએ. 550 વર્ષ રાહ જોઈ છે તો હજુ થોડા દિવસો રાહ જુઓ.