ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) ખાતે પ્રસિદ્ધ ગુજરાતી લેખક (Gujarati Writer) અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલની આત્મકથાની (Autobiography) અંગ્રેજી આવૃત્તિ ‘ફાઈન્ડિંગ ગટ્ટુ’ નું મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું હતું. આ પુસ્તક પન્નાલાલ પટેલનાં દોહિત્રી નતાશા પટેલ નેમા દ્વારા તેમની ગુજરાતી આત્મકથાનું અંગ્રેજીમાં કરાયેલું રૂપાંતર છે.
પન્નાલાલ પટેલના જીવન વિશે વાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યને જ્ઞાનપીઠ એવોર્ડનું બહુમાન અપાવનાર પન્નાલાલ પટેલનું વ્યક્તિત્વ ખરેખર વિરલ હતું. તેમના ગૌરવશાળી વ્યક્તિત્વ અને જીવન સફરની વાત આજની યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેમની ગુજરાતી આત્મકથાને અંગ્રેજીમાં નવા દૃષ્ટિકોણ સાથે રજૂ કરવા બદલ લેખિકા-અનુવાદક સુશ્રી નતાશાબહેન અભિનંદનને પાત્ર છે.
આ પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સૌને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’નો કાર્ય મંત્ર આપ્યો છે ત્યારે જે લોકો પ્રયાસ કરતા હોય અને આગળ આવવા માટે તત્પર હોય તેમની સાથે ઊભા રહેવા માટે અને તેમને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પુસ્તક વિમોચન પ્રસંગે લેખિકા નતાશા પટેલ નેમાએ જણાવ્યું હતું કે, તેમના દાદાની આત્મકથા ‘જિંદગી સંજીવની’ વાંચીને તેમને આજની યુવા પેઢી સુધી પન્નાલાલ પટેલના જીવનની અજાણી વાતોને અંગ્રેજીમાં પહોંચાડવાનો વિચાર આવ્યો અને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. ઘરઘાટીનું કામ કરવાથી લઈને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરવા સુધીની તેમના દાદાની આ સફર ખરેખર યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે.