બેંગલુરુ : છેલ્લા કેટલાક વર્ષોમાં સફળ રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનર (Australian opener) ઉસ્માન ખ્વાજાનું માનવું છે કે ભારત (India) સામે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વમાં ભારતીય સ્પિન આક્રમણનો સામનો એ સૌથી મુશ્કેલ પડકાર હશે. પાકિસ્તાનમાં (Pakistan) જન્મેલો ખ્વાજા વિઝા મળવામાં વિલંબને કારણે ટીમ બાદ અહીં પહોંચ્યો હતો. તે ડેવિડ વોર્નર સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. ખ્વાજા ભારતમાં મર્યાદિત ઓવરની ક્રિકેટ રમી ચૂક્યો છે તે 2013 અને 2017ના પ્રવાસમાં ટેસ્ટ ટીમનો ભાગ હતો પરંતુ ભારતમાં ટેસ્ટ રમવાની તક તેને હવે મળશે.
- ખ્વાજાના મતે અશ્વિન તો તોપ છે અને તે પોતાની વૈવિધ્યતાનો ખુબ સારી રીતે ઉપયોગ કરતો હોવાથી તેનો સામનો પડકારજનક રહેશે
- પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજાને વિઝા મળવામાં વિલંબ થવાના કારણે તે આજે ભારત પહોંચ્યો અને બેંગલુરૂમાં ટીમ સાથે જોડાયો
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે ઘોષિત થયેલા ખ્વાજા પર ઘણું નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયા 2004-05 થી ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી શક્યું નથી. તેણે કહ્યું હતું કે તે એક અલગ લાગણી છે. આ રમતમાં કોઈ ગેરંટી નથી પરંતુ બેટિંગ અને બોલિંગમાં વધુ પરિપક્વતા આવી છે. તેણે ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ને કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં અમે ઘણું શીખ્યા છીએ. ખાસ કરીને તમને કેવા પ્રકારની વિકેટ મળશે અને મને લાગે છે કે હવે અમે અહીં ટેસ્ટ જીતી શકીશું. હવે અમે પહેલા કરતા સારી સ્થિતિમાં છીએ પરંતુ સિરીઝ ઘણી કપરી હશે. ખ્વાજાએ કહ્યું હતું કે અશ્વિન તોપ છે. તે ખૂબ જ કુશળ છે અને તેની પાસે વિવિધતા છે જેનો તે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. તેનો સામનો કરવો પડકારજનક રહેશે. ત્રીજા-ચોથા દિવસે વિકેટ ટર્ન થશે અને તે મોટાભાગની ઓવરો ફેંકશે. મારે જોવાનું છે કે હું તેની સામે કેવી રીતે રન બનાવી શકું.