છેલ્લા કેટલાક દિવસોથી મ્યાનમાર (MYANMAR) ચર્ચામાં છે. આપણે ખેડૂત આંદોલન, રિહાના, કંગના અને એવું બધું ચર્ચવા અને જોવામાં વ્યસ્ત છીએ. આપણા આ પાડોશી દેશમાં સત્તાનાx સમીકરણો બદલાઇ રહ્યાં છે. 74 વર્ષનાં આંગ સાન સૂ ચી જેમને નેવુંના દાયકામાં નોબેલ પીસ પ્રાઇઝ એનાયત કરાયું હતું તેઓ હાલમાં ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ નથી કરાઇ. મ્યાનમારના તંત્રનું સુકાન લશ્કરે બળજબરીથી હાથમાં લઇ લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રાષ્ટ્રોએ આ તખ્તાપલટની જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે.
લી ફેબ્રુઆરીએ થયેલી આ ઘટનાની જાહેરાત મ્યાનમાર સૈન્યની માલિકીના ટેલિવિઝન નેટવર્ક પરથી કરવામાં આવી હતી. પાટનગર સાથેનાં બધાં જ કોમ્યુનિકેશન બંધ કરી દેવાયાં અને સ્ટેટ કાઉન્સિલર (STATE COUNCILOR) આંગ સાન સૂ ચીને અટકમાં લેવાયાં તથા તેમના રાજકીય પક્ષ સાથેનાં બધાં જ કોમ્યુનિકેશન અટકાવી દેવાયાં. ચર્ચવા માટે તો આ આખી ઘટના સાથે સંબંધિત ઘણી બાબતો છે પણ એક સમયે બર્માને નામે ઓળખાતા આ દેશના ઇતિહાસ પર નજર કરવી પણ જરૂરી છે. છેલ્લા આ રીતે તખ્તાપલટ 1988માં થઇ હતી જેને પગલે બર્માનું નામકરણ કરાયું અને તે મ્યાનમાર કહેવાયો, આ નિર્ણય પણ વર્ષો સુધી સતત વિવાદોમાં રહ્યો હતો.
જ્યારે 19મી સદીમાં અંગ્રેજોએ આજના મ્યાનમાર અને ત્યારના બર્મા સાથે સંધાણ કર્યું ત્યારે તેમણે બર્મા (BURMA)નું નામકરણ કર્યું જે ત્યારના સત્તાધીશ બર્મન – બર્માર એથનિક જૂથને આધારે કરાયું. બર્માનો વહીવટ ત્યારે અંગ્રેજોના સામ્રાજ્ય ભારતના પ્રદેશ તરીકે જ થતો જે 1937 સુધી ચાલ્યું. આ પછી બર્માને ભારતથી જુદું કરાયું. સ્વતંત્રતા મળ્યા પછી યુનિયન ઑફ બર્મા તરીકે આ રાષ્ટ્રનું અસ્તિત્વ આગળ ધપ્યું. 1962માં સૈન્યએ પહેલી વાર નાગરિકોની સરકાર છીનવી અને 1974માં સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑફ યુનિયન ઑફ બર્મા નામાકરણ કરાયું.
1988માં બર્મામાં સૈન્યે હિંસક હુમલા (ATTACK) કર્યા જેમાં હજારો લોકો મરી પરવાર્યાં અને ફરી નામ જે હતું તે એટલે કે યુનિયન ઑફ બર્મા કર્યું. જો કે આ અહીં અટકવાનું નહોતું. એક જ વર્ષમાં દેશનું નામ યુનિયન ઓફ મ્યાનમાર થયું. દેશમાં બીજાં સ્થળોનાં નામ પણ બદલાયાં અને રંગૂન જે ત્યાંનું પાટનગર હતું તેનું નામ ખયું યાગોન અને 2005માં તો પાટનગર જ બદલાઇ ગયું અને નવું પાટનગર છે નેયપ્યિડૉ જે 370 કિલોમિટર ઉત્તરે આવેલું છે.
દેશનું નામ બદલવા પાછળનું મુખ્ય કારણ હતું કે જેટલા પણ સ્થાનિક સમુદાયો છે તેમને એક અધિકૃત ઓળખાણ મળે માત્ર બર્મિઝ (BURZIM) પ્રજાને નહીં. મ્યાનમારને સ્વીકૃતિ મળતાં પણ વાર લાગી કારણ કે આમ તો બર્મા અને મ્યાનમારનો અર્થ સરખો છે, માત્ર મ્યાનમાર વધુ ઔપચારિક નામ છે. 2010માં દેશ લોકશાહી તરફ ડગ ભરવા માંડ્યો પણ છતાંય સૈન્યની તાકાત યથાવત્ રહી અને સૈન્યના રાજકીય વિરોધીઓને પણ પોતાની અભિવ્યક્તિની છૂટ મળી તથા ચૂંટણી પણ યોજાવા માંડી. 2015માં આંગ સાન સૂ ચીનો પક્ષ ચૂંટણી જીત્યો અને 2020માં ફરી તેમનો વિજય થયો. મ્યાનમાર અને બર્મા વચ્ચે આમ તો મ્યાનમારને માન્યતા મળેલી છે પણ જે રાષ્ટ્રોને બર્મા વાપરવું છે એ લોકો બર્મા નામનો જ ઉપયોગ કરે છે.
હવે આપણે વર્તમાન સંજોગોની વાત કરીએ તો આંગ સાન સૂ ચી અને તેની સરકાર 2020માં થયેલી ચૂંટણીને મામલે સૈન્યના સપાટામાં આવી છે. મ્યાનમાર આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાંગે તખતો પલટ્યો અને એક વર્ષ સુધી અહીં કટોકટી લાદી દીધી છે. સૈન્યનું કહેવું છે કે આ ચૂંટણીમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ હતી અને ગરબડોને કારણે આ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી જીતી છે. સૈન્યએ 9 મિલિયન મત પર સવાલ (QUESTION) ઉઠાવ્યો છે અને તે અયોગ્ય છે તેમ પણ કહ્યું છે. સૈન્યએ માંગણી કરી કે યુનાઇટેડ ઇલેક્શન કમિશન ઑફ મ્યાનમારે નવી સંસદની રચના પહેલા સાબિત કરવું પડશે કે આ ચૂંટણી ન્યાયિક રીતે યોજાઇ છે.
જો કે ત્યાંના ઇલેક્શન કમિશને (ELECTION COMMISSION) આ માંગણીને ફગાવી દીધી. જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂ ચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં દેખાયાં નથી, તેઓ ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ કે જાણકારી આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં નથી કરાઇ. આ તરફ આંગ સાન સૂ ચી પર આક્ષેપો છે કે તેમણે વૉકીટૉકી આયાત કરી તેનો ઉપયોગ કર્યો, રાષ્ટ્રપતિ વિમ મ્યિંટે લોકોને વાઇરસ હોવા છતાં મોટી સંખ્યામાં ભેગા કર્યા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું વગેરે.
મ્યાનમારના આર્મ્ડ ફોર્સિઝ (ARMS FORCED)ના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે. સૂ ચી મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર બન્યાં પછી રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અમાનુષી અત્યાચારે તેમની નેતા તરીકે આકરી કસોટી કરી. રોહિંગ્યા મુસલમાનો પર થયેલી હિંસાને કારણે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ ખાતે મ્યાનમાર સામે નરસંહારનો કેસ પણ ચાલી રહ્યો છે. વળી સૂ ચીની આંતરરાષ્ટ્રીય છબી આમે ય ધોવાઇ ગઇ છે કારણ કે તેમણે એક સમયે સૈન્યની કામગીરીનો પાંગળો બચાવ પણ કરવાની કોશિશ કરી હતી. રોહિંગ્યા મુસલમાનોને જે પણ થયું છે તેમાં સૂ ચી સાથે જરાક સરખી લાગણી નથી થતી અને તે સ્વાભાવિક છે.
ચૂંટણીને લઇને ખડી થયેલી આ બબાલ સૂ ચી સામેનો પહેલો એવો વિવાદ છે જે તેમના છૂટકારા પછી આ સ્તરે સૈન્ય સાથે થયો છે. આમ તો 2020ની (ELECTION)ચૂંટણી પછી એનએલડીની ઇચ્છા હતી કે તેઓ સૈન્યનો રોલ રાજકારણમાં ઘટાડી દે પણ એ આમે ય સરળ નહોતું હોવાનું કારણ કે બંધારણીય સુધારાને મામલે પણ કડક મર્યાદાઓ લદાયેલી છે. સૈન્યે આ પહેલાં પણ મ્યાનમારના બે બંધારણ ખારીજ કરેલાં છે. સૂચીના ટેકેદારો આજે તેના વિરોધીઓ બની ચૂક્યાં છે. સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું એમ કહેવાય. આપણે આપણા ડહાપણને સાચવી રાખીએ તો સારું, આપણે ત્યાં ટ્વિટરથી પણ અરાજકતા દાવાનળની જેમ ફેલાય છે.
બાય ધ વેઃ
મ્યાનમારમાં સૈન્યે લોકશાહીનો માર્ગ પણ એટલે અપનાવ્યો હતો કારણ કે તેઓ ચીન પર જે આધાર રાખે છે તે વહેલી તકે ઘટાડવા ધારતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે સૈન્યના પ્રહાર અંગે ચીન અને રશિયા ચૂપ રહ્યા છે તો ASEAN દેશો સંજોગો થાળે પડે તેની રાહમાં છે. જાપાન લશ્કરના આ પગલાંને બળવો જરૂર કહે છે પણ રાષ્ટ્ર સાથેના આર્થિક સંબંધો યથાવત્ રાખશે. યુએસએ અને ઑસ્ટ્રેલિયાએ સેન્કશન્સની ધમકી આપી છે. ભારતને મ્યાનમાર સાથે સારાસારી રાખવી છે કારણ કે ચીનનાં જાતભાતનાં બળવાખોરો અને શસ્ત્રો આપનારા ખેપાનીઓ સામે લડવા અને તેમને રોકવા મ્યાનમારની મદદ મળે તે જરૂરી છે.