National

દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ, પોલીસે આરોપીને ઝડપી લીધો

દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ બનાવ સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જાહેર સુનાવણી દરમિયાન બન્યો હતો. મળતી માહિતી અનુસાર એક અજાણ્યો વ્યક્તિ સુનાવણીમાં હાજર રહેવા આવ્યો હતો અને અચાનક જ મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

ઘટનાના તાત્કાલિક બાદ પોલીસ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે સતર્કતા દાખવીને આરોપીને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુનાવણી દરમિયાન કેટલાક દસ્તાવેજ લઈને આવ્યો હતો અને બાદમાં ગુસ્સામાં અપશબ્દો બોલતા હુમલાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આ બનાવની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે ચૂંટાયેલા મુખ્યમંત્રી પર આ પ્રકારનો હુમલો લોકશાહી પર હુમલા જેવો છે અને આ ઘટના ચિંતાજનક છે. સાથે જ ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે જણાવ્યું કે આ વ્યક્તિ કોઈ હતાશ પાર્ટી કાર્યકર હોઈ શકે છે. જે પોતાના ગુસ્સાને કારણે આવી હરકત પર ઉતરી આવ્યો હશે.

ફિલહાલ પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે અને મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સમીક્ષા શરૂ કરી છે. આ ઘટના બાદ રાજકીયસ્તરે ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top