મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ઘ દિવસે ને દિવસે અનેક સમસ્યાઓ સર્જી રહ્યું છે અને તણાવ વચ્ચે હવે યુદ્ધ વધુ ખતરનાક દિશામાં આગળ વધી રહ્યું છે. પહેલા સૈન્ય મથકો પર હુમલા થતા હતા, પરંતુ હવે ઓઇલ અને ગેસ જેવી ઊર્જા સુવિધાઓ નિશાન બનાવાઈ રહી છે. તાજેતરમાં ઈરાન દ્વારા કતરમાં આવેલા વિશ્વના સૌથી મોટા LNG ગેસ હબ ‘રાસ લાફાન’ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાના કારણે કતારની ગેસ નિકાસ ક્ષમતામાં લગભગ 17% સુધી ઘટાડો થયો છે. નિષ્ણાતોના મત અનુસાર, આ હુમલાથી અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. આ ઘટનાની અસર માત્ર કતર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારત, ચીન અને યુરોપ જેવા દેશો માટે પણ ચિંતાજનક બની છે.
ભારત માટે આ પરિસ્થિતિ ખાસ ગંભીર છે કારણ કે દેશ પોતાની LNG ગેસની કુલ આયાતનો મોટો હિસ્સો કતર પાસેથી લે છે. જો સપ્લાયમાં ખલેલ પડે, તો દેશમાં ગેસની અછત સર્જાઈ શકે છે અને ઉદ્યોગો તેમ જ ઘરેલું વપરાશ પર સીધી અસર પડી શકે છે. આ સાથે, ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને કુવૈતની કેટલીક મોટી રિફાઇનરીઓ પર પણ ડ્રોન હુમલા કરાયા હોવાના અહેવાલો છે. જેના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન પર વધુ દબાણ આવી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા તરફથી પણ કડક ચેતવણી આપવામાં આવી છે. જો આવા હુમલા ચાલુ રહેશે, તો જવાબી કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે જો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો વિશ્વ અર્થતંત્ર અને ઊર્જા સુરક્ષા માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે.