સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બાજ ગામે રહેતી દક્ષાબેન રાજેશભાઈ જાદવ (ઉ.34) ગતરોજ ખેતરમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. અને સાંજે ઘરે પરત આવી હતી. તે દરમ્યાન તેનો પતિ રાજેશભાઈ જાદવ બહેનનાં ઘરે ગયો હતો. તે અરસામાં દિયર મહેશભાઈ જનકભાઈ જાદવે ઘરે આવીને ‘મારો ભાઈ રાજેશ અવાર નવાર બિમાર કેમ પડે છે તમે ડાકણ છો, એટલે મારો ભાઈ બિમાર પડે છે’ કહેતા ભાભીએ દિયરને ‘તમે મારા ઉપર ડાકણનો વહેમ કરો છો તો ચાલો ભગત ભુવા પાસે ચેક કરવા જઈએ’ કહેતા દિયર મહેશ જાદવે ઉશ્કેરાઈ જઈને ઝગડો કરી લાકડાનાં દંડા વડે માથાનાં તેમજ જાંઘનાં ભાગે સપાટા મારતા ભાભી ઇજાગ્રસ્ત (Injured) બન્યા હતા.
વધુમાં દિયર દ્વારા ભાભી પર જીવલેણ હુમલો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા નજીક રહેતી બહેન દોડી આવી હતી. અને ઇજાગ્રસ્ત ભાભીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારનાં અર્થે વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઇજાગ્રસ્ત મહિલા દક્ષાબેન જાદવે ડાકણનો વહેમ રાખી જીવલેણ હુમલો કરનાર દિયર મહેશ જાદવ સામે વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામના બે ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી લીધો
વલસાડ : વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનમાં ફસ્ટ ક્લાસમાં જનરલ કોચની ટિકીટ સાથે મુસાફરી કરી રહેલા ઉમરગામના બે સગા ભાઇએ ટીસીને મારમારી ચપ્પુ બતાવી લૂંટી પણ લીધો હતો. ડુંગરી-બીલીમોરા વચ્ચે આ ઘટના બન્યા બાદ બીલીમોરા સ્ટેશન પર બંને ભાગવા જતા એક ભાઇને પોલીસે પકડી પાડ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વિરાર-ભરૂચ મેમુમાં ગતરોજ ફસ્ટ ક્લાસ કોચમાં ઉમરગામના રહીશ રવિકુમાર લોકેશકુમાર સરોજ અને તેનો ભાઇ રોહિતકુમાર સરોજ જનરલની ટિકીટ લઇ ચઢ્યા હતા. ત્યારે વલસાડમાં ટિકીટ ચેકર તરીકે નોકરી કરતા મુસ્તાક અહેમદ મીરનમિયા કાઝી (ઉવ.57) ફસ્ટક્લાસ કોચમાં ચઢ્યા અને તેમણે રવિકુમાર અને રોહિતકુમાર સરોજ પાસે ટિકીટ માંગી હતી. બંને ભાઇઓ પાસે જનરલ કોચની ટિકીટ હોય, ટીસી મુસ્તાક અહેમદ કાઝી સાથે દંડ ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ બંને ભાઇએ મળી કાઝીને માર માર્યો હતો. તેમજ એક ભાઇએ તેના ગળા પર છરો પણ મુકી દીધો હતો. ત્યારબાદ તેમણે કાઝીના ખિસામાંથી રૂ. 730 લઇ લીધા હતા. આ ઘટના પછી બીલીમોરા સ્ટેશન પર બંને ભાઇઓ ભાગવા જતા ટીસી કાઝીએ બૂમો પાડી હતી. જેના પગલે પોલીસે રવિકુમારને પકડી પાડ્યો હતો. પોલીસે તેને પોલીસ મથકે લઇ જઇ તેની પુછતાછ અને જડતી લેતાં તેની પાસેથી રૂ. 730 અને ચપ્પુ મળી આવ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે કાઝીની ફરિયાદ લઇ બંને ભાઇઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.