Gujarat

ગુજરાતમાં દલિત-આદિવાસી પર અત્યાચાર વધ્યા – કોંગ્રેસનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પર વધી રહેલા અત્યાચારના મુદ્દે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે “ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દલિત સમાજ પર 13,629 અને આદિવાસી સમાજ પર 3,553 અત્યાચારના કેસો નોંધાયા છે, જે રાજ્ય માટે કલંક સમાન છે.”

કોંગ્રેસે દાવો કર્યો હતો કે લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી છે અને ભાજપ સરકાર દલિત-આદિવાસી સુરક્ષા આપવા નિષ્ફળ ગઈ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની નેતાગીરીએ રજૂ કરેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિ પર અત્યાચારના કુલ 6,596 નવા કેસ નોંધાયા છે. વર્ષવાર વિગતો મુજબ 2019માં 1,416, 2020માં 1,326, 2021માં 1,201, 2022માં 1,279 અને 2023માં 1,373 કેસ નોંધાયા હતા.

હાલ અનુસૂચિત જાતિ સંબંધિત અત્યાચારના 13,629 કેસ ટ્રાયલ માટે પેન્ડિંગ હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું. તે જ રીતે અનુસૂચિત જનજાતિ પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1,590 નવા કેસ નોંધાયા હોવાનું જણાવ્યું. વર્ષ 2019માં 321, 2020માં 291, 2021માં 341, 2022માં 330 અને 2023માં 307 કેસ નોંધાયા છે. અનુસૂચિત જનજાતિ પર થયેલા અત્યાચારના 3,553 કેસ હાલમાં ટ્રાયલ માટે બાકી હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, દરરોજ સરેરાશ ત્રણથી વધુ દલિતો અત્યાચારનો ભોગ બને છે, જ્યારે દર 48 કલાકે એક આદિવાસી પર હુમલો અથવા અત્યાચારની ઘટના બને છે.એસટી અત્યાચારના કેસોમાં છેલ્લા ત્રણ વર્ષનો સજા દર 1 ટકા કરતાં પણ ઓછો છે, જે સરકારની નબળી વકીલાત અને ઉદાસીનતાનું પરિણામ છે. “ગુનેગારોને સજા અપાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે,” એમ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે સમગ્ર દેશમાં SC-ST અધિકારો માટે 15,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, પરંતુ ગુજરાતમાં 2018 અને 2019માં માત્ર 6-6 કાર્યક્રમો અને 2020માં એકપણ કાર્યક્રમ યોજાયો નહોતો. “આ ભાજપની દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે,”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે પેન્ડિંગ કેસોમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે, ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા નિરાકરણ લાવવામાં આવે અને દલિત-આદિવાસી સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકારના ‘વિકાસ’ના દાવાઓ વચ્ચે રાજ્યનો દલિત અને આદિવાસી સમાજ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે અને બંધારણીય હક્કોની રક્ષા કરવા સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top