સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં એટીએમ સેન્ટર (ATM Center)ની બહાર વયસ્ક લોકોને રૂપિયા ઉપાડવાના બહાને કાર્ડ (ATM card) બદલી ઠગાઈ કરતી વધુ એક ટોળકીને એસઓજી (SOG)એ ઝડપી પાડી હતી. ત્રણ આરોપીઓની ધરપકડ (arrest) કરી તેમની પાસેથી 17 એટીએમ કાર્ડ કબજે કરાયા હતા.
એસઓજીની ટીમને માહિતી મળી હતી કે, અગાઉ સુરત શહેરમાં સાઈબર ક્રાઈમ (cyber crime)ના ગુનાઓ આચરતી ટોળકીના તમામ સભ્યોને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ – અલગ ટીમો પાડવામાં આવી હતી. આ ટીમો દ્વારા તપાસ (inquiry) હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમે વોચ ગોઠવી આરોપી શિવમસિંઘ ઉર્ફે ચંચલ સુરેશસિંઘ ઠાકુર (ઉ.વ.21, રહે. વિનાયકનગર, પાંડેસરા તથા મુળ પ્રયાગરાજ, યુ.પી.), રિતિક ઉર્ફે ભોલે સુરેન્દ્રબહાદુર સિંહ (ઉ.વ.19, રહે. ગંગોત્રીનગર બમરોલી રોડ પાંડેસરા) તથા અમિત ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબ સિંહ (ઉ.વ.23, રહે. વિનાયકનગર ગણપતનગરની બાજુમાં ગોવાલક રોડ પાંડેસરા)ને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકોના 17 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આ સિવાય 3 મોબાઈલ ફોન અને 38 હજાર રૂપિયા રોકડા મળી કુલ 68,870 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ઉમરામાં એક, પાંડેસરામાં ત્રણ અને સચીન જીઆઈડીસીમાં એક ગુનાની કબુલાત કરી હતી. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
એટીએમ સેન્ટરમાં આવતાં વયસ્ક કે મજુર વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા
આરોપીઓની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળી હતી કે, ત્રણેય આરોપીઓ ભેગા મળી અલગ અલગ બેંકના ATM સેન્ટરો ઉપર જઈ વોચ ગોઠવતા હતા અને જે ATM સેન્ટરમાં મજુર વર્ગના ગરીબ લોકો કે વયસ્ક જેઓને ATM બાબતે ઓછુ જ્ઞાન હોય તેવી વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. તેઓ પૈસા ઉપાડવા આવે ત્યારે તેઓની નજીક ઉભા રહી પ્રથમ તે વ્યક્તિઓનો ATM પાસવર્ડ જોઇ લેતા હતા. બાદમાં તે વ્યક્તિ જ્યારે ATMમાંથી પૈસા ઉપાડતી હોય ત્યારે આરોપીઓ ATM મશીનની સ્ક્રીન દબાવી રાખતા હતા. જેથી મશીન કામ કરતું બંધ થાય. જેથી તેઓની મદદ કરવાના બહાને પોતાની સાથેનો અન્ય શખ્સ પૈસા ઉપાડવા આવેલા વ્યક્તિને વાતોમાં ભોળવી તેની પાસેનું ATM કાર્ડ પોતાની પાસેના ATM કાર્ડ સાથે બદલી લેતા હતા. અને ત્યારબાદ આરોપીઓ અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડી લેતા હતા.