એક્સિઓમ-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હશે. રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટેનું ખાનગી અવકાશયાત્રી મિશન છે. આ મિશનમાં, ભારત, પોલેન્ડ અને હંગેરી સહિત અનેક દેશોના અવકાશયાત્રીઓ ISS પર લગભગ 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
એક્સિઓમ-4 મિશન થોડીવારમાં આજે તા.25જૂન 2025ના રોજ રવાના થશે. આ મિશન સાથે સંકળાયેલી કંપની SpaceX એ કહ્યું છે કે હવામાન 90 ટકા અનુકૂળ છે. આ મિશનમાં ઘણા દેશોએ ભાગ લીધો છે. જેમાં શુભાંશુ શુક્લા ભારતના મિશન ક્રૂનો એક ભાગ છે.
ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. આ પહેલા ઇ.સ 1984માં અવકાશયાત્રી રાકેશ શર્માએ અવકાશમાં યાત્રા કરી હતી. રાકેશ શર્માએ અવકાશમાંથી કહ્યું હતું કે, ‘આપણું ભારત આખી દુનિયા કરતાં સારું છે’.
આ મિશનમાં યાત્રમાં કેટલા અવકાશયાત્રીઓ? આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આ મિશનના પાઇલટ હશે. આ મિશનનું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને એક્સિઓમ સ્પેસના માનવ અવકાશ ઉડાન નિર્દેશક પેગી વ્હિટસન કરશે. આ ઉપરાંત, યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોજેક્ટ અવકાશયાત્રી સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) અને હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ મિશન નિષ્ણાતો તરીકે જોડાશે. આ ચાર અવકાશયાત્રીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરશે
એક્સિઓમ મિશન 4 શું છે? એક્સિઓમ-4 મિશન એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે એક ખાનગી અવકાશયાત્રી મિશન છે. આ મિશનનો હેતુ 31 દેશો વતી લગભગ 60 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો અને પ્રવૃત્તિઓનું નિર્દેશન કરવાનો છે. આ દેશોમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, પોલેન્ડ, હંગેરી, સાઉદી અરેબિયા, બ્રાઝિલ, નાઇજીરીયા, સંયુક્ત આરબ અમીરાત અને યુરોપ છે. એક્સિઓમ અનુસાર, આ મિશન આ દેશો માટે ઇતિહાસમાં બીજું માનવ અવકાશ ઉડાન મિશન હશે, પરંતુ આ પહેલી વાર હશે જ્યારે આ ત્રણ દેશો ISS પર એકસાથે મિશન પૂર્ણ કરશે.