સુરત : પોતાને પીએચડી એસ્ટ્રોલોજર (Astrologer) હોવાનું જણાવીને લેભાગુ જયોતિષ દ્વારા મધ્યમવર્ગીય પરિવાર પાસેથી પાંચ લાખની મત્તા પડાવી લેવામાં આવી હતી. તેમાં હોમ હવન અને ઘરનું સોનુ શુધ્ધ કરવું પડશે કહીને સોનુ તથા રોકડ (Cash) રકમ મળી કુલ પાંચ લાખની છેતરપિંડીની પોલીસ (Police) ફરિયાદ જહાંગીરપુરા ખાતે દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. અત્યંત અંધવિશ્વાસ (Superstition) રાખતા લોકો માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રશમીબેન મનીષભાઈ પટેલ (ઉં. વર્ષ ૪૯,ધંધો-ઘરકામ રહે-બી/૩૨, સામર્થય બંગલોઝ, મધુવન પાર્ટી પ્લોટની સામે જહાંગીરપુરા) દ્વારા પાંચ લાખના ઘરેણા અને રોકડ રકમની છેતરપિંડીનો ગુનો જહાંગીરપુરા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 20 ડિસેમ્બરના રોજ તેઓ દૂધ લેવા ગયા ત્યારે બ્લેક કલરની ક્રિટા ગાડીમાં રાજુ જોષી નામનો ઇસમ તેઓને મળ્યો હતો. તેઓનો વેશ અને પોષાક બ્રાહમણનો હોવાથી પાણી પીવા માટે ઘરે આવ્યા હતા. ત્યારબાદ રાજુ જોષીએ પોતે જયોતિષમાં પીએચડી છે તેમ જણાવ્યું હતું. દરમિયાન તેઓની વહુ તેજસ્વી જ્યોતિષ રાજુ બાબુભાઇ માટે ચા લઇને આવી હતી. તે સમયે રાજુ જોષીએ તેજસ્વીનો હાથ જોઇને કહ્યું કે તમારી ઉપર અંબાજીનો કોપ છે. તમારે હવન કરવો પડશે અને ધજા ચડાવવી પડશે. નહિંતર તમે બરબાદ થઇ જશો. આ ઉપરાંત તેઓએ વિવિધ વાતો કરીને પ્રભાવિત કર્યા હતા.
રાજુ જોષી પર તેઓને વિશ્વાસ બેસતા તેઓએ પચાસ હજારની રકમ હવન કરવા માટે આપી હતી. ત્યારબાદ રાજુ જોષીએ ફોન પર તેઓનો હોમ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પછી તો સતત ફોન કરીને સમગ્ર પરિવારને વિશ્વાસમાં લીધો હતો. મનીષાબેનને રાજુએ જણાવ્યું હતું કે હું તમારો ભાઇ છું તમને તકલીફમાંથી મુકિત અપાવીશ તમે મારી પર વિશ્વાસ રાખજો. આમ રાજુ જોષીએ પ્રી પ્લાન રશમીબેન અને તેમના પતિ મનીષભાઇનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો.
પરિવારનો વિશ્વાસ કેળવી લીધા બાદ રાજુ જોષીએ જણાવ્યું હતું કે ઉજ્જૈનમાં તેમના ગુરૂ છે તેઓ પાસે તેઓએ ઘરની ચકાસણી કરી છે. તેમાં તેઓને ઇસ્લામિક અશુધ્ધિ ઘરમાં હોવાનું માલુમ પડયું છે. આ મામલે ઘરમાં પડેલા તમામ સોનાના દાગીના શુદ્ધ કરવા આપવા પડશે આ ઉપરાંત તેના ખર્ચ પેટે 32,000 જેટલો ખર્ચ થશે. 72 દિવસમાં વિધી કરીને દાગીના પરત આપવામાં આવશે, પરિવારે આ માટે 12 તોલા સોનુ જેની કિંમત 3.60 લાખ જેટલી થાય છે તે વિશ્વાસ સાથે રાજુ જોષીને આપી દીધું હતું. ત્યારબાદ રાજુનો પાછો ફોન આવ્યો હતો કે તમારા નાણાંની પણ શુધ્ધિ કરવાની છે તેથી તેઓ દ્વારા 51,000નું જીઓ-પે કરવામાં આવ્યું હતું. 72 દિવસ પછી રાજુ બાબુ જોષીએ સોનુ પરત આપવાની વાત કરી હતી. 72 દિવસ બાદ રાજુ જોષીએ તેઓનો ફોન ઉંચકવાનું બંધ કરી દીધું હતું. છેવટે પરિવારને ભાન થયું હતું કે તેઓ છેતરાયા છે અને રશમીબેનના દાગીના પરત નહીં મળતા જહાંગીરપુરા પોલીસમાં આ મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.