નવી દિલ્હી : તાજેતરમાં જ યુએઇમાં (UAE) સંપન્ન થયેલા એશિયા કપ 2022માં શ્રીલંકાની ટીમ (SriLanka) ચેમ્પિયન બન્યા પછી સ્પોર્ટસ (Sports) વેબસાઇટ દ્વારા એશિયા કપ 2022ની એક શ્રેષ્ઠ ટીમ (Team) બનાવવામાં આવી હતી, આ ટીમમાં ભારતના માત્ર વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારને જ સ્થાન મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી, સાથે જ ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન કરનાર પાકિસ્તાની ઓપનર અને વિકેટકીપ બેટ્સમેન મહંમદ રિઝવાનને પણ તેમાં સ્થાન અપાયું નથી.
- સ્પોર્ટસ વેબસાઇટ દ્વારા બનાવાયેલી ટીમમાં શ્રીલંકાના ચાર અને પાકિસ્તાનના ત્રણ ખેલાડી સામેલ
- રોહિત અને સૂર્યા ઉપરાંત ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન કરનાર પાકિસ્તાનના મહંમદ રિઝવાન પણ બાકાત
ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમના ચાર ખેલાડીઓને એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ પાકિસ્તાનના ત્રણ જ્યારે ભારત અને અફઘાનિસ્તાનના બે-બે ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે. ટીમમાં સામેલ કુસલ મેન્ડિસે ટુર્નામેન્ટમાં 156.66ના સ્ટ્રાઈક રેટથી 155 રન બનાવ્યા હતા, જ્યારે રહેમાનુલ્લાહે 163.44ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા અને ત્રણ કેચ પકડ્યા હતા. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં 147.59ના સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમ ઝાદરાને મધ્ય ઓવરોમાં ઉપયોગી બેટિંગ કરી, જ્યારે ભાનુકાએ દર્શાવ્યું હતું કે તે અંતિમ મેચમાં શું કરી શકે છે. શનાકાને આ ટીમનું સુકાન સોંપાયું હતું.
એશિયા કપ 2022ની શ્રેષ્ઠ ઇલેવન : કુસલ મેન્ડિસ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વિરાટ કોહલી, ઇબ્રાહિમ ઝાદરાન, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરંગા, મહંમદ નવાઝ, ભુવનેશ્વર કુમાર, હારિસ રઉફ, નસીમ શાહ.