દુબઇ, તા. 08 : એશિયા કપની સુપર-4ની આજે અહીં રમાયેલી મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 1020 દિવસના લાંબા દુકાળ પછી સદી ફટકારીને નોટઆઉટ 122 રનની ઇનિંગ રમતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવીને મૂકેલા 213 રનના લક્ષ્યાંક સામે ભુવનેશ્વર કુમારની કાતિલ બોલિંગને પ્રતાપે અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 111 રન સુધી જ પહોંચતા ભારતીય ટીમે 101 રને જીત મેળવી હતી, જે ટી-20 ઇન્ટરનેશનલમાં તેમનો બીજો સૌથી મોટો વિજય રહ્યો હતો. ભુવનેશ્વરે પોતાના ક્વોટાની 4 ઓવરમાં 1 મેડન ફેંકવાની સથે માત્ર 4 રન આપીને 5 વિકેટ ખેરવી હતી.
20 ઓવરમાં 2 વિકેટે 212 રનનો સ્કોર બનાવ્યો હતો
આજની મેચની હાઇલાઇટ વિરાટ કોહલીની ઇનિંગ રહી હતી. 1020 દિવસના લાંબા ગાળા પછી તેણે ઇન્ટરનેશનલ સદી ફટકારી હતી. રોહિત શર્મા આજની મેચમાં રમ્યો નહોતો અને તેથી કેએલ રાહુલ સાથે વિરાટ કોહલી ઓપનીંગમાં આવ્યો હતો. તેણે શરૂઆતના 11 બોલમાં માત્ર 10 રન કર્યા હતા પણ તે પછી તેણે 32 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી અને 53 બોલમાં સદી પુરી કરી હતી. કોહલી 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 122 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેના સિવાય કેએલ રાહુલે 41 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી અને તેમની ઇનિંગને પ્રતાપે ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 212 રનનો સ્કોર બનાવ્યો હતો.
ભુવનેશ્વરે 4 ઓવરમાં 5 વિકેટ ઉપાડી
એશિયા કપની આજે ગુરૂવારે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં કાતિલ બોલીંગ સ્પેલ ફેંકીને ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી, જે તેનું ટી-20 ઇન્ટરનેશનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ સાથે જ તે ભારત વતી ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો હતો. તેણે કુલ 94 વિકેટ ઉપાડી છે જ્યારે યુઝવેન્દ્ર ચહલે 83, જસપ્રીત બુમરાહે 69, રવિ અશ્વિને 65 જ્યારે હાર્દિક પંડ્યાએ 54 વિકેટ ઉપાડી છે.
ભુવનેશ્વર કુમારના ટી-20માં શ્રેષ્ઠ બોલીંગ પ્રદર્શન
હરીફ ટીમ વર્ષ પ્રદર્શન
અફઘાનિસ્તાન 2022 5/4
દક્ષિણ આફ્રિકા 2022 4/13
શ્રીલંકા 2022 4/22
પાકિસ્તાન 2022 4/26
પાકિસ્તાન 2022 3/9