National

‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી

ભારતીય સંગીત જગત માટે આજનો આ દુઃખદ દિવસ રહ્યો, જ્યારે દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે હંમેશ માટે આપણામાંથી વિદાય લઈ ગયા. 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા, અને તેમના નિધન સાથે સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. મુંબઈમાં તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી શિવાજી પાર્ક સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો, જ્યાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રસ્તા પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. દરેકના ચહેરા પર દુઃખ અને આંખોમાં આંસુ જોવા મળતા હતા.

અંતિમ વિદાય દરમિયાન લોકો “આશાતાઈ અમર રહો” અને “જબ તક સૂરજ ચાંદ રહેગા, આશા તેરા નામ રહેગા” જેવા નારા લગાવી રહ્યા હતા. આ દ્રશ્યો ખૂબ જ ભાવુક બનાવનારા હતા. લોકો પોતાના પ્રિય ગાયિકાને છેલ્લી વાર જોવા માટે લાંબા સમય સુધી ઉભા રહ્યા. આશા ભોંસલેના અંતિમ દર્શન માટે બોલીવૂડ અને દેશના ઘણા જાણીતા લોકો પણ આવ્યા હતા. તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજો સામેલ હતા. તેઓ બધા ખૂબ જ ભાવુક દેખાતા હતા અને આશાતાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. આ સાથે જ એ.આર. રહેમાન, વિદ્યા બાલન અને ઉર્મિલા માંતોડકર સહિતના ઘણા કલાકારો પણ તેમની અંતિમ વિદાયમાં હાજર રહ્યા હતા. દરેકે પોતાના રીતે આશા ભોંસલેને યાદ કર્યા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા તેમના માનમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો. આશા ભોંસલેને તિરંગામાં લપેટીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે દેશ તેમના યોગદાનને કેટલું માન આપે છે. તેમની મોટી બહેન મીના મંગેશકર વ્હીલચેરમાં આવીને પોતાની નાની બહેનને અંતિમ વિદાય આપી, જે ક્ષણ ખૂબ જ ભાવુક બનાવી દેતી હતી.

આશા ભોંસલેને થોડા દિવસ પહેલા છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સુધરી શકી નહીં અને અંતે તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી. તેમની વિદાય સાથે જ સંગીત જગતમાં એક મોટી ખોટ પડી છે. લતા મંગેશકર બાદ હવે આશા ભોંસલેની વિદાયથી સંગીતનો એક યુગ પૂરો થયો છે. તેમના અવાજ અને ગીતો હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. આજે ભલે આશાતાઈ આપણા વચ્ચે નથી, પરંતુ તેમના ગીતો અને યાદો હંમેશા જીવંત રહેશે. તેઓએ પોતાના અવાજથી કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તેથી જ લોકો કહી રહ્યા હતા, “આશા ભોંસલે અમર રહેશે.”

Most Popular

To Top