પારડી : પારડીના ડુમલાવ ગામના પારસી ફળિયામાં તા. 25 જાન્યુઆરીની રાત્રે કેસુરભાઈ પટેલના કોઢારામાં દીપડાએ પશુ પર હુમલો (ATTACK) કરવાની કોશિશ કરી હતી. પરંતુ આ દરમિયાન ગાય તથા અન્ય જાનવરોએ ધમપછાડા કરતા ઘરના સભ્યોએ જાગી ગયા હતા અને તેમણે દીપડાને જોતા શોરબકોર કરવા છતાં દીપડો (LEOPARD) ભાગ્યો ન હતો. આથી કમલકુમારે હિંમત કરીને જીપ ચાલુ કરી દીપડા આગળ મુકતા દીપડો ભાગ્યો હતો.
આ બાબતે ગામના ઉપસંરપંચ પ્રકાશ પટેલને જાણ કરતા તેમણે આર.એફ.ઓ. સમીરભાઈ કોકણીને જાણ કરતા તેઓએ ઘટનાસ્થળે દોડી જઇ પાંજરું (CAGE) તથા કેમેરા મુકી દીપડાને પકડવાની કોશિશ કરી હતી. અંબાચ ગામના વાઘસર ફળિયા ખાતે બીજા દિવસે 26મી જાન્યુઆરીની રાત્રે ગીરીશ પટેલના કોઢારમાં ઘુસી નાના વાછરડાને ફાડી ખાધી હતી. તે બાબતની જાણ થતાં આર.એફ.ઓ.એ ટીમ સાથે પહોંચી પાંજરું મુકી દીપડાને પકડવા સીસીટીવી કેમેરા (CCTV CAMERA) મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરગામ : ખેરગામના પાટી ગામે દીપડો શિકાર કરવાની લાયમાં ખેતરના કૂવામાં પડ્યો હતો. આ વાતની જાણ ચીખલી રેન્જ કચેરીને કરતાં સ્ટાફે ધસી આવી રેસ્ક્યુ કરી દીપડાને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બની ગયો છે. ત્યારે ચીખલી તાલુકામાં તાજેતરમાં જ કૂવામાં પડેલા દીપડાને રેસ્ક્યુ (RESCUE) કરી બચાવી લેવાયો હતો. ખેરગામ (KHERGAM) તાલુકાના પાટી ગામના બાવીસા ફળિયામાં પણ દીપડો મળસ્કે કૂવામાં પડ્યો હતો. શાંતિલાલ પટેલનાં પત્ની લીલાબેન ખેતરે ઘાસચારો લેવા ગયાં એ વેળા નજીકના કૂવામાંથી અવાજ આવતા કૂવામાં ડોક્યું કરતાં દીપડો નજરે પડ્યો હતો. એ બાદ લીલાબેને પતિને જાણ કરી હતી. આ બાબતે શાંતિલાલે આગેવાનોને જાણ કરતાં ચીખલી રેન્જ કચેરીને માહિતગાર કરાઈ હતી.
આ વાતની જાણ થતાં જ ચીખલી રેન્જ (CHIKHLI RANGE) કચેરીના આરએફઓ અમિત ટંડેલ અને સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. આ વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરતાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 30 ફૂટ ઊંડા કૂવામાં પડેલા દીપડાને બચાવવા માટે વનવિભાગે સ્થાનિક લોકો, નવસારી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં જાળી સાથે પાંજરું દોરડા વડે બાંધી કૂવામાં ઉતારાયું હતું. પાંજરું જોતાં જ દીપડો ધમપછાડા કરવા લાગ્યો હતો. પરંતુ એક કલાકની મહેનત બાદ દીપડો પણ થાકી જતાં પાંજરામાં ઘૂસી ગયો હતો. આ દીપડો શિકાર કરવાની લાયમાં કૂવામાં પડ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ બનાવમાં દીપડો પાંજરામાં પુરાતાં જ સહીસલામત બહાર કાઢી તેને ચીખલી રેન્જ કચેરી ખાતે લઈ જવાયો હતો. જ્યાંથી તેને સહીસલાતમ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.