‘સાડી-પર્સ’થી લઈને 3D ખેસ નું મતદારોમાં આકર્ષણ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં શહેરના રાજકીય માહોલમાં જબરદસ્ત ગરમી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની ટક્કર હવે માત્ર મંચ અને ભાષણ સુધી સીમિત રહી નથી, પરંતુ પ્રચાર સામગ્રી પણ આ લડાઈનું મુખ્ય હથિયાર બની ગઈ છે. બજારમાં વિવિધ પક્ષોના ખેસ, ટોપી, ઝંડા અને ગિફ્ટ આઈટમ્સનો ભરમાર જોવા મળી રહ્યો છે.

આ વખતની ચૂંટણીમાં ખાસ વાત એ છે કે હાઈટેક પ્રચાર પર વધુ ભાર મૂકાયો છે. 3D ડિઝાઇન અને ડિજિટલ પ્રિન્ટિંગવાળા ખેસ, માસ્ક અને બેનરો સૌથી વધુ લોકપ્રિય બની રહ્યા છે. વેપારીઓ કહે છે કે નવી ટેકનોલોજીના કારણે પ્રિન્ટ વધુ આકર્ષક અને લાંબા સમય સુધી ટકાઉ બન્યા છે, જેના કારણે કાર્યકરોમાં તેની માંગ વધી છે.
મહિલા મતદારોને લક્ષ્યમાં રાખીને ખાસ ડિઝાઇન કરેલી સાડીઓ, લેડીઝ પર્સ, બ્રોચ અને સાડી પિન જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. સુરતના ટેક્સટાઇલ હબ હોવાને કારણે આ પ્રકારની સામગ્રીમાં ખાસ વૈવિધ્ય જોવા મળે છે. બીજી તરફ યુવાનો માટે ચેઇન-લોકેટ, કી-ચેન અને ફેશન એક્સેસરીઝમાં પાર્ટીના નિશાન સાથે નવી ટ્રેન્ડ ઊભી થઈ છે.
પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળી સામગ્રીને સૌથી વધુ પસંદગી મળી રહી છે. ખાસ કરીને માસ્ક અને ખેસમાં તેમની ઈમેજની માંગ વધારે છે. વેપારીઓના કહેવા મુજબ ઓર્ડરમાં ભાજપ આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે અને કોંગ્રેસ પાછળ દેખાઈ રહી છે. હાલમાં પાર્ટી સ્તરે જ મોટા ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
ઉમેદવારો જાહેર થયા બાદ વ્યક્તિગત પ્રચાર માટે ટી-શર્ટ, પેમ્ફલેટ અને કસ્ટમ ગિફ્ટ્સનો ધસારો વધવાની શક્યતા છે. ડોર-ટુ-ડોર પ્રચાર માટે પેન, ડાયરી અને સ્ટીકર જેવી નાની વસ્તુઓ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા જેટલું જ ભૌતિક પ્રચારનું મહત્વ હજુ યથાવત છે. આ ચૂંટણીના કારણે સુરતના પ્રિન્ટિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી ચેતના જોવા મળી રહી છે.