Business

મોદી સરકાર 3.0 બનતા જ શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

નવી દિલ્હી: મોદી સરકાર 3.0ની (Modi government 3.0) ગઇ કાલે રચના થઇ હતી. ત્યાર બાદ શેરબજાર (Stock market) આજે 10 જૂન, 2024ના રોજ સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. તેમજ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) પણ પૂર ઝડપે કારોબાર કરી રહ્યા હતા. જો કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ શુક્રવારે બંને સૂચકાંકો ઘટાડામાંથી બહાર આવ્યા હતા.

સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ રેકોર્ડબ્રેક ઉંચી સપાટીએ પહોંચી ગયુ હતું. તેમજ સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે જ સમયે નિફ્ટીએ શેર બજાર ખુલતાની સાથે જ 23000નો આંકડો પાર કરી લીધો હતો. જેથી કહી શકાય કે નવી સરકાર બનતાની સાથે જ શેરબજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, સેન્સેક્સ પહેલીવાર 77,000ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી 23400ની સપાટી વટાવીને ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો હતો. સોમવાર, 10 જૂને બજાર ખૂલતાંની સાથે જ BSE સેન્સેક્સ 77,079.04ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 23,411.90ના સ્તરે પહોંચી ગયો હતો.

બજાર ખુલતાની સાથે જ આ શેરોમાં તેજી જોવા મળી
શરૂઆતના વેપારમાં, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં નિફ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ડૉ રેડ્ડીઝ લેબ્સ, એલટીઆઈ માઇન્ડટ્રી અને હિન્દાલ્કોના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

અદાણી-અંબાણી શેર લીલા નિશને
શેરબજારમાં લિસ્ટેડ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટ, અદાણી પોર્ટ અને અદાણી પાવરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લગભગ 1 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. લાર્જ કેપ શેરોમાં પાવર ગ્રીડના શેર 3.65 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.36 ટકા, એક્સિસ બેન્ક 1.74 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ સિવાય મિડકેપ કેટેગરીમાં પતંજલિ શેર 4.98 ટકા, વ્હર્લપૂલ શેર 3.14 ટકા, IDBI શેર 3.46 ટકા, બેન્ક ઓફ ઈન્ડિયા શેર 3.00 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તેમજ સ્મોલ કેપ કંપનીઓમાં, Wardinmobi શેરમાં 20 ટકા અને રિલાયન્સ ઇન્ફ્રામાં 11 ટકાનો વધારો નોંધાયો હતો.

Most Popular

To Top