આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમની પાર્ટી હવે કોઇપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન નહીં કરે અને આગામી વિધાનસભા ચૂંટણીઓ પોતે એકલાં લડશે. તેમણે બિહારની ચૂંટણી લડવાની પણ ઘોષણા કરી છે.
કેજરીવાલે જણાવ્યું કે, “ઇન્ડિયા બ્લોક ફક્ત લોકસભા ચૂંટણી માટે હતો. હવે તેમનું કોઈપણ પક્ષ સાથે કોઇ ગઠબંધન નથી.” વિસાવદર પેટાચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસથી અલગ રહીને AAPએ ત્રણ ગણા વધુ મતોથી જીત મેળવી હતી, જે જનતાના વિશ્વાસનો સાબિતી છે.
કેજરીવાલે ગુજરાતમાં ભાજપના શાસન પર પણ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનો શાસન છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં અનેક મૂળભૂત સમસ્યાઓ યથાવત છે. સુરતમાં આવેલા તાજેતરના પૂર વિશે તેમણે કહ્યું કે આ “માનવસર્જિત આપત્તિ” છે અને તેનો મુખ્ય કારણ ભાજપનો ભ્રષ્ટાચાર છે.
તેમણે કહ્યું કે, “યુવાનોને નોકરી નથી મળતી, ખેડૂતોને ખાતર મળતું નથી, અને સામાન્ય જનતા પણ સરકારથી અસંતોષિત છે. તેમ છતાં લોકો પાસે વિકલ્પ ન હોવાને કારણે ભાજપ સતત જીત્યું છે. હવે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ નથી રાખતા કારણ કે બધા જાણે છે કે તે ભાજપનો સહયોગી પક્ષ બની ગયો છે.”
આમ આદમી પાર્ટી હવે “ગુજરાત જોડો અભિયાન” શરૂ કરી રહી છે. કેજરીવાલે જણાવ્યું કે આગામી 2.5 વર્ષમાં પાર્ટી રાજ્યના દરેક ઘરે 5 વખત પહોંચવાનો પ્રયાસ કરશે. યુવાનોને ખાસ કરીને AAPમાં જોડાવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચારમુક્ત વિકાસ જોવો હોય, તો યુવાનોએ AAPમાં જોડાવું જોઈએ.”
તેમણે ફરી એકવાર પુષ્ટિ કરી કે AAP હવે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે અને દરેક ચૂંટણી પોતે લડશે.