National

87 દિવસ જેલમાં રહ્યા બાદ પણ કેજરીવાલને રાહત નહીં, ED બાદ CBIએ કરી ધરપકડ

નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ધરપકડ કરાયા બાદ 87 દિવસ તિહારમાં રહેવા છતા કેજરીવાલને રાહત મળી ન હતી. સીબીઆઈએ (CBI) આજે 26 જૂનના રોજ એક્સાઈઝ પોલિસી કેસમાં (Excise Policy Case) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઔપચારિક ધરપકડ (Arrest) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બુધવારે સવારે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કેજરીવાલને તિહાર જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટ લઈ ગઈ હતી. તેમજ કેજરીવાલને વેકેશન બેન્ચના જજ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે સીબીઆઈએ કોર્ટ પાસે તેમની કસ્ટડીની માંગણી કરી હતી. તેમજ સીબીઆઇ અને કેજરીવાલ, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલની ઔપચારીક કસ્ટડીને મંજૂરી આપી હતી. ત્યારે કોર્ટની પરવાનગી બાદ સીબીઆઈએ પહેલા કોર્ટ રૂમમાં જ કેજરીવાલની પૂછપરછ કરી અને પછી ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી હતી.

સુનાવણી દરમિયાન કેજરીવાલની તબિયત લથડી
બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત અચાનક લથડી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તેઓ નર્વસ ફીલ કરી રહ્યા છે. આ પછી તેમને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ચા-બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા.

ઇડી-સીબીઆઇના આરોપો
દિલ્હી લિકર પોલિસી કેસમાં ED અને CBIએ કેજરીવાલ ઉપર આરોપ લગાવ્યા હતા કે કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીએ દિલ્હી લિકર પોલિસીમાં છેડછાડ કરવા માટે સાઉથ ગ્રુપના સભ્યો પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. તેમજ આપએ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે કૌભાંડના નાણાંનો ઉપયોગ કર્યો હતો.

કેજરીવાલની ધરપકડ માટે સીબીઆઈએ કારણ દર્શાવ્યું હતું કે લાંચ લીધા બાદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ હિતધારકોની ઈચ્છા મુજબ દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં સુધારા કર્યા હતા. તેમજ જથ્થાબંધ વેપારીઓ માટે પ્રોફિટ માર્જિન 5% થી વધારીને 12% કરવામાં આવ્યું હતું.

કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ સીબીઆઇની આ દલીલોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે- કેજરીવાલ જ્યારે અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ માટે કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો ન હતો અને અમને જાણ પણ કરવામાં આવી ન હતી. જે રીતે આ ધરપકડ કરવામાં આવી તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમને મીડિયા દ્વારા જાણ થઈ હતી. અમારી માંગ છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.

આ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી ત્યારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુપ્રીમે હાઇ કોર્ટના નિર્ણય બાદ જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે દિલ્હી હાઈકોર્ટે 25 જૂનના રોજ જામીન આપવાના નીચલી કોર્ટના આદેશને પણ રદ કરી દીધો હતો. હવે અમે હાઈકોર્ટના 25 જૂનના આદેશ સામે નવી અરજી દાખલ કરીશું. તેથી હવે હાલની પિટિશન પાછી ખેંચવા માંગે છે. આ પછી સુપ્રીમ કોર્ટે EDના વકીલ એસવી રાજુની સંમતિ બાદ અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.

Most Popular

To Top