Editorial

આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સનાં કારણે અનેકની નોકરી પર જોખમ ઊભું થશે

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર ચાટ જીપી એલ ના સ્થાપક – સેમ ઓલ્ટમેન છે. આખી વાત શરૂ થાય છે 2015માં. સેમે તેની કંપની ‘ઓપન-એઆઈ’ ની સ્થાપના કરી હતી. આજે ઓપન-એઆઈની પ્રોડક્ટ ChatGPT એક ઝડપી વર્ચ્યુઅલ રોબોટ યની ચૂક્યો છે. અલબત્ત, બધાનો જવાબ આપતા ChatGPTને તેનાં સ્થાપક, સેમ ઓલ્ટમેન વિશે પૂછવામાં આવ્યું હતું! પ્રશ્ન હતો – સેમ ઓલ્ટમેન કોણ છે? 30 નવેમ્બરે લૉન્ચ થયેલા આ AI સર્ચ એન્જિનનો જવાબ હતો – સેમ ઓલ્ટમેન અમેરિકન ઉદ્યોગસાહસિક અને ટેક્નોલોજિસ્ટ છે. તેઓ અગાઉ લૂપ્ટનામની કંપનીના CEO હતા અને હવે ‘ઓપન-એઆઈના પ્રમુખ છે.

આ સિવાય સર્ચ એન્જિને સેમ વિશે એવું પણ જણાવ્યું કે તે ટેકનિકલ સમુદાયમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત મુદ્દાઓ પર લેક્ચર આપે છે. ChatGPTમાં આવી બધી માહિતી છે. સિસ્ટમ પોતે પોતાના વિશે લખે છે કે, કોઈપણ પાત્ર અથવા વ્યક્તિ વિશે કોઈ વ્યક્તિલક્ષી નિવેદન તે આપતું નથી. ChatGPT ના આવા પ્રતિસાદ પછી, અન્ય માધ્યમો દ્વારા સેમ ઓલ્ટમેન વિશે માહિતી એકત્રિત કરતા જાણવા મળ્યું કે આજે આપણું વર્તમાન તેમની શોધો અને નવી તકનીકી પહેલને કારણે ઝડપથી બદલાઈ રહ્યું છે. ChatGPT અને ઇમેજ જનરેટર DALL-E આવા જ પ્રયાસો છે.

ChatGPTને કારણે આખી દુનિયા ડરી ગઈ છે. એવું સમજવામાં આવે છે કે, આ નવું સંશોધન દુનિયા બદલી નાખશે અને લોકોની નોકરીઓ ખાય જશે! શું ખરેખર આપણે, ખાસ કરીને ભારતે ChatGPTથી ડરવાની જરૂર છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટી સ્પષ્ટ કહે છે – ભારતે ફેન્સી કોમ્પ્યુટેશન કંપનીઓથી ડરવાની જરૂર નથી, પણ સિસ્ટમ થિંકિંગના અભિગમ સાથે એન્જિનિયરિંગના દરેક ક્ષેત્રમાં પ્રશિક્ષિત માનવશક્તિની ભારતને જરૂરિયાત છે.

તેમને કહ્યું હતું, ChatGPT શું કરે છે, તેની ચિંતા આપણે કરવાની જરૂર નથી, પણ ભારતમાં અન્ય ઘણા મુદ્દાઓ છે, જેનો પહેલા ઉકેલ લાવવાની જરૂર છે. અલબત્ત, તેમનું સ્પષ્ટ કહેવું છે કે, ભારત પાસે ChatGPT કરતાં ઘણી વધુ સમસ્યાઓ ઉકેલવાની છે. આમાં બે પ્રકારની ગણતરી છે, એક ફેન્સી અને બીજી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટેની. કામકોટીનું આ નિવેદન ChatGPT બનાવનારી ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા આ મહિનાની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગના નેતાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી આવ્યું છે. કારણ કે તેમણે કહ્યું હતું કે AIની વાત આવે ત્યારે ભારતીય કંપનીઓ માટે સ્પર્ધા કરવી તે નિરાશાજનક છે.

આગળ જણાવતા કામકોટી કહે છે કે, બીજા શું કહે છે એ ભૂલી જાવ, હું સીધી એવી વાત કરી રહ્યો છું કે ભારતને ખરેખર શું જરૂર છે. આજે ભારતને એન્જિનિયરિંગના દરેક ક્ષેત્રમાં સિસ્ટમ થિંકિંગ અભિગમ સાથે પ્રશિક્ષિત માનવશક્તિની જરૂર છે. મારી પાસે ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે, એવિઓનિક્સ પર ઘણા પ્રોજેક્ટ્સ છે, આરોગ્ય અને તબીબી વિજ્ઞાન પર ઘણા પ્રોજેક્ટ્સ છે. શિક્ષણના ધોરણોને સુધારવા માટે આપણે ઘણું કરવાનું છે. આપણો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 સુધી પહોંચવો જરૂરી છે.

IIT મદ્રાસના ડિરેક્ટરે એવું પણ કહ્યું કે – તેમણે એવા ક્ષેત્રોની ઓળખ કરી છે કે જેમાં નવીન અભ્યાસક્રમ વધુ સમસ્યાનું નિરાકરણ શોધી શકશે અને ભારતને તેના વિકાસના માર્ગે આગળ વધવામાં મદદ કરશે. એવા અભ્યાસક્રમોની ઓળખ કરી છે, જેમાં ભારતને વધુ મેનપાવરની જરૂર છે. જો આપણે કોઈ સંસ્થાના સંચાલનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે, તો આપણને ડેટા સાયન્સની જરૂર છે. અલબત્ત, આપણે કંઈ પણ કરવા માંગશું તો તેમાં ડેટા સાયન્સની જરૂર પડશે. આ જ કારણ છે કે આપણે ડેટા સાયન્સને દેશને જરૂરી એવા અભ્યાસક્રમોમાંથી એક તરીકે પસંદ કર્યો છે અને ડેટા સાયન્સમાં બીએસસીનો અભ્યાસક્રમ પણ શરૂ કર્યો છે. અમારી પાસે હાલમાં આ કોર્સમાં 19,000થી વધુ ભારતીયો નોંધાયેલા છે. દુનિયા આખી ChatGPTથી ડરી રહી છે ત્યારે કામકોટીએ આપણને એવો સંકેત આપ્યો છે કે, ભારતે ChatGPTથી ડરવાની જરૂર નથી. આ ChatGPT ભારતમાં કોઈની નોકરી નહીં ખાય શકે.

ChatGPT એ મશીન લર્નિંગ અને AI આધારિત સોફ્ટવેર છે. તેને OpenAI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. બાય ધ વે, હવે તેની ભાગીદારી માઈક્રોસોફ્ટ સાથે પણ થઈ ગઈ છે. તમારે ફક્ત આ ચેટ બોટને કહી દેવાનું અને એ તમારું કામ શરૂ કરી દેશે! લોન્ચ થયાના થોડા જ દિવસોમાં 10 લાખથી વધુ યુઝર્સે તેનો ઉપયોગ કર્યો હતો! પહેલા તે ફ્રી હતું, પરંતુ હવે તેનો પ્રીમિયમ પ્લાન પણ ઉપલબ્ધ છે. દર મહિને 3400 રૂપિયા ખર્ચ થાય છે. હવે તેના પર પ્રતિબંધ લાગવા માંડ્યો છે કારણ કે તેના ફાયદાઓ કરતા હવે ગેરફાયદા વધુ સામે આવી રહ્યા છે! ન્યુ યોર્કની સ્કૂલોએ આ ચેટ બોટ પર પ્રતિબંધ મૂકીને વિશ્વમાં પ્રથમ ઑથોરિટી બની ગઈ હતી. અહીંની સ્કૂલોને ડર હતો કે બાળકો ChatGPTની મદદથી તેમનું હોમવર્ક કરાવી લેશે. ગણિતના પ્રશ્નો અને નિબંધો પણ ChatGPT લખી આપશે. પરીક્ષામાં પણ તેનો ઉપયોગ થવાનો ભય રહેલો છે.

સિએટલની ઘણી પબ્લિક સ્કૂલોએ પણ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત બેંગ્લુરુની કોલેજે પણ ChatGPT પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. દેશના IT હબમાં જ ઘણી કોલેજોએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે! કારણ લગભગ એક જ છે, વિદ્યાર્થીઓ તેમના અસાઇનમેન્ટ ChatGPT પાસે કરાવી શકે છે! આરવી યુનિવર્સિટી અને દયાનંદ સાગર યુનિવર્સિટીએ ChatGPT સાથે ગીથબ કોપાયલોટ અને બ્લેકબોક્સ જેવા એઆઈ ટૂલ્સના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. IIT બેંગ્લોરે વાસ્તવમાં તેના ઉપયોગ માટે એક સમિતિની રચના કરી હતી. અસાઇનમેન્ટની પદ્ધતિ બદલવાની વાત પણ સામે આવી છે અને આવા સાધનોનો ઉપયોગ કરવા બદલ કોલેજમાંથી હાંકી કાઢવા જેવા કડક પગલાં પણ સાંભળવા મળે છે.

Most Popular

To Top