નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા અનેક મોટી હસ્તીઓની રાજકીય પક્ષોમાં જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બોક્સર વિજેન્દર સિંહ (Boxer Vijender Singh) બુધવારે ભાજપમાં (BJP) જોડાયા હતા. વિજેન્દર સિંહ આજે બુધવારે બપોરે 3:00 વાગ્યે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું અને તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. તાવડેએ કહ્યું કે વિજેન્દર સિંહજી વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભાજપમાં જોડાયા છે. તેમના આગમનથી પાર્ટીને વધુ મજબૂતી મળશે અને પાર્ટી પોતાના લક્ષ્ય તરફ આગળ વધશે. વિજેન્દરને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિજેન્દર સિંહે કહ્યું, હું ઘરે પરત ફરી રહ્યો છું. ત્યારે એકદમ સારું લાગે છે. હાલ દેશ વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેલાડીઓ માટે સરળ બની ગયું છે. હું ભૂતકાળનો એ જ વિજેન્દર છું. જે ખોટાને ખોટું અને સાચાને સાચુ કહેશે.
વિજેન્દર સિંહે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના રમેશ બિધુરી સામે ચૂંટણી હારી ગયા હતા. બિધુરીને 6 લાખ 87 વધુ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ અને વિજેન્દરને 1 લાખ 64 હજારથી વધુ વોટ મળ્યા છે.
મથુરાથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે છેલ્લા કેટલાક દિવસોથી તેમનું નામ ચર્ચામાં હતું. જ્યાંથી અભિનેત્રી અને વર્તમાન ભાજપ સાંસદ હેમા માલિની ફરી ચૂંટણી લડી રહી છે. પરંતુ તેઓના ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે.
ભાજપનો જાટ સમુદાય તરફ ઝૂકાવ
વિજેન્દર મૂળ હરિયાણા જિલ્લાના ભિવાનીના રહેવાસી છે. તેમજ જાટ સમુદાયમાંથી આવે છે. ત્યારે તેઓ પશ્ચિમ યુપી અને હરિયાણાની બેઠકો ભાજપ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. વિજેન્દરે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમજ તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વિજેન્દરે સરકાર વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમજ તેમણે નાગરિકોના દરેક મુદ્દાને હિંમતભેર ઉઠાવ્યા હતા. ત્યારે માનવામાં આવે છે કે વિજેન્દર સિંહ દ્વારા હરિયાણા અને પશ્ચિમ યુપીમાં ભાજપ પોતાની તાકાત મજબૂત કરવા જઈ રહી છે. વિજેન્દ્રએ વર્ષ 2020માં ખેડૂતોના આંદોલનને પણ સમર્થન આપ્યું હતું.